નવી દિલ્હીઃ ગોવાના ચર્ચિત ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબ અગ્નિકાંડમાં ફસાયેલા લુથરા બ્રધર્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. 25 લોકોના જીવ લીધેલા આ ભયાનક અકસ્માતની તપાસ હવે છેતરપિંડી સુધી પહોંચી ગઈ છે. તાજા અહેવાલો મુજબ સૌરભ અને ગૌરવ લુથરાએ નાઇટ ક્લબનું લાઇસન્સ મેળવવા માટે નકલી ‘સર્ટિફિકેટ’નો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. આ બાબતે માપુસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જે પોલીસ હવે તપાસ કરી રહી છે કે ક્લબ ચલાવવાની અન્ય મંજૂરીઓ પણ નકલી દસ્તાવેજોને આધારે તો લેવામાં આવી નહોતીને?
કસ્ટડી વધવાની શક્યતા
લુથરા બ્રધર્સની પોલીસ કસ્ટડી આજે પૂર્ણ થઈ રહી છે, પરંતુ ગોવા પોલીસ તેમની કસ્ટડી વધારવાની માગ કરે એવી શક્યતા છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે બંને ભાઈઓ પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી અને સતત ટાળવાનું વલણ અપનાવી રહ્યા છે. પોલીસને ભય છે કે જો વધુ સમય નહીં મળે, તો નકલી દસ્તાવેજો, સુરક્ષામાં ગંભીર ચૂક અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડની કડીઓ જોડવી મુશ્કેલ બનશે. છઠ્ઠી ડિસેમ્બરની રાત્રે થયેલા આ અકસ્માતમાં ઇમરજન્સી એક્ઝિટ ન હોવી અને લાઇસન્સ વગર ફાયર શો યોજવો જેવી ગંભીર બેદરકારીઓ પહેલેથી જ સામે આવી ચૂકી છે.
મની લોન્ડરિંગ અને શેલ કંપનીઓનું શંકાસ્પદ જાળ
અગ્નિકાંડની તપાસ સાથે હવે આર્થિક ગુનાઓનો એંગલ પણ જોડાયો છે. તપાસ એજન્સીઓને માહિતી મળી છે કે લુથરાભાઈઓનું દિલ્હીના એક જ સરનામે નોંધાયેલી 42 શેલ કંપનીઓ સાથે જોડાણ છે. આથી મની લોન્ડરિંગ અને મોટા નાણાકીય કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં તેમના બિઝનેસ પાર્ટનર અજય ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તેઓ માત્ર 25 લોકોના મોત માટે જ જવાબદાર નથી, પરંતુ સિસ્ટમને છેતરવા બદલ પણ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.




