મહાદેવ બેટિંગ એપઃ EDએ રૂ. 1700 કરોડની સંપત્તિઓ કરી જપ્ત

નવી દિલ્હીઃ EDએ હજારો કરોડ રૂપિયાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરી છે. EDની તપાસ હવે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા સુધી પહોંચી ગઈ છે. તપાસ એજન્સીએ સટ્ટાબાજી નેટવર્કના મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકરની દુબઈમાં આવેલી અંદાજે રૂ. 1700 કરોડની વૈભવી સંપત્તિઓ જપ્ત કરી છે.

દુબઈના ‘પોશ’ વિસ્તારોમાં ફેલાયેલું સામ્રાજ્ય

EDએ દુબઈના એવા વિસ્તારોમાં સંપત્તિઓ સીલ કરી છે, જ્યાં રહેવું અમીરોનું સપનું માનવામાં આવે છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં બુર્જ ખલીફામાં આવેલો લક્ઝરી ફ્લેટ, હિલ્સ વ્યુ, ફેરવે રેસિડેન્સી અને સિદ્રા જેવા VIP વિસ્તારોમાં આવેલા એપાર્ટમેન્ટ્સ, બિઝનેસ હબમાં આવેલી હાઈ-એન્ડ યુનિટ્સ તેમ જ SLS હોટેલ એન્ડ રેસિડેન્સમાં આવેલા ફ્લેટ્સનો સમાવેશ થાય છે. ED મુજબ આ તમામ સંપત્તિઓ સટ્ટાબાજીથી થયેલી ગેરકાયદે કમાણીથી ખરીદવામાં આવી હતી અને વિકાસ છાપરિયા, અતુલ અરોરા અને નીતિન ટિબ્રેવાલ જેવા નજીકના સાથીદારો મારફતે તેનું નિયંત્રણ રાખવામાં આવતું હતું.

શું છે મહાદેવ બેટિંગ એપ કૌભાંડ?

આ માત્ર એક બેટિંગ એપ નહોતીં, પરંતુ એક વિશાળ સટ્ટાબાજી નેટવર્ક હતું, જેને છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દુબઈમાંથી ચલાવતા હતા. આ પ્લેટફોર્મ પર પોકર, કાર્ડ ગેમ્સ, ક્રિકેટ, બેડમિન્ટન અને અહીં સુધી કે ભારતમાં યોજાતી ચૂંટણી પર પણ સટ્ટો લગાડવામાં આવતો હતો. હજારો નકલી બેંક ખાતાઓ અને શેલ કંપનીઓ મારફતે પૈસાની હેરફેર કરવામાં આવી હતી. પ્રમોટરો નફાનો લગભગ 70–75 ટકા હિસ્સો પોતે રાખતા હતા, જ્યારે બાકીનો ભાગ પેનલ ઓપરેટરોને આપવામાં આવતો હતો. અત્યાર સુધી રૂ. 5000 કરોડથી વધુ ગેરકાયદે કમાણી હવાલા મારફતે વિદેશ મોકલવાના આરોપો છે.

અત્યાર સુધીની કાર્યવાહી

આ કેસમાં ED અત્યાર સુધી દેશભરમાં 175થી વધુ સ્થળોએ દરોડા પાડી ચૂકી છે. કેસમાં અત્યાર સુધી 13 લોકોની ધરપકડ થઈ છે અને રાયપુરની અદાલતમાં 74 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ મળીને અંદાજે રૂ. 4336 કરોડની ચલ-અચલ સંપત્તિઓ જપ્ત અથવા ફ્રીઝ કરવામાં આવી છે. ડિસેમ્બર, 2023માં મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈમાં પકડાયો હતો, પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો. માનવામાં આવે છે કે તેણે વાનુઆતુ દેશની નાગરિકતા મેળવી લીધી છે. સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવી EDને તેને શોધવાનો નિર્દેશ આપ્યો છે.