ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અને દિવ્યતાના સંગમ સાથે ઉજવાયો મહંત સ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ

વડોદરાના આંગણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન અને ગુણો પર પ્રકાશ પાડતા વીડિયો તેમજ વરિષ્ઠ સંતોના પ્રેરક પ્રવચનોએ ઉપસ્થિત લાખો હરિભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો

આ મહોત્સવમાં ભારતીય સનાતન સંસ્કૃતિના ગૌરવ સમાન એક ઐતિહાસિક સિદ્ધિની નોંધ લેવામાં આવી હતી. ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન બદલ સંસ્થાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડથી પધારેલા અધિકારીઓ દ્વારા મહંત સ્વામી મહારાજને આ બહુમાનપત્ર અર્પણ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, 3 થી 13 વર્ષની વયના 15,666 બાળકોએ માત્ર એક વર્ષમાં મહંત સ્વામી મહારાજ રચિત 315 શ્લોકોવાળા આ ગ્રંથનો મુખપાઠ કર્યો હતો, જેમાંથી 12,723 બાળકોની સત્તાવાર નોંધણી આ રેકોર્ડ માટે કરવામાં આવી હતી.

શિક્ષણ અને આધ્યાત્મિકતાના નવા પ્રકલ્પોનો શુભારંભ

સમાજ ઉત્થાનના કાર્યોને વેગ આપતા મહંત સ્વામી મહારાજે આ અવસરે આદિવાસી વિસ્તારો માટે ‘મોબાઈલ પાઠશાળા’નો પ્રારંભ કરાવ્યો હતો, જેનો હેતુ ‘હર ઘર શિક્ષણની જ્યોત’ જલાવવાનો છે. આ ઉપરાંત, બાળકોના સંસ્કાર સિંચન માટે વિશિષ્ટ યુટ્યુબ ચેનલ ‘BAPS Kids’ લોન્ચ કરવામાં આવી હતી. તેમજ મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત નવા ગ્રંથ ‘ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને શુભેચ્છા સંદેશ

આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને મોહન યાદવે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. મોહન યાદવે ખાસ મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુર (મધ્ય પ્રદેશ)નો ઉલ્લેખ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન બાળકોની મહેનત અને તમામ ગુરુઓને સમર્પિત કરતા ‘સંપ’ અને ‘સમજણ’નો સંદેશ આપ્યો હતો.

લાખો ભક્તોની હાજરી અને સ્વયંસેવકોની સેવા

આ મહોત્સવમાં અંદાજે બે લાખ જેટલા હરિભક્તો અને 800થી વધુ સંતો સહભાગી થયા હતા. કાર્યક્રમના અંતે લાખો દીવડાઓ સાથે થયેલી સમૂહ આરતીએ સમગ્ર વાતાવરણને અલૌકિક બનાવી દીધું હતું.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે છેલ્લા ત્રણ મહિનાથી 14 હજાર સ્વયંસેવકો અને સંતોએ 34 સેવા વિભાગોમાં રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સુરક્ષા અને વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. દેશ-વિદેશના ભક્તોએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.