યુરોપમાં મોટો સાયબર હુમલોઃ લાખો રૂપિયાની ખાદ્ય સામગ્રી બરબાદ

 નવી દિલ્હીઃ યુરોપના સુપરમાર્કેટ્સ પર થયેલા મોટા સાયબર હુમલાએ  યુરોપમાં ખળભળાટ મચાવી દીધો છે. સ્વીડનથી લઈને બેલ્જિયમ સુધી ફેલાયેલા આ ડિજિટલ હુમલામાં સુપરમાર્કેટ્સનાં ફ્રિજ અને ફ્રીઝર સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. જેને કારણે તાપમાન વધી જતાં દુકાનદારોને મોટી માત્રામાં ખાદ્ય સામગ્રી ફેંકવાની ફરજ પડી હતી. આ ઘટના બરાબર ગયા મહિને ફ્રાન્સમાં થયેલા આવા જ એક હુમલાની યાદ અપાવે છે.

આ સાયબર હુમલામાં ડઝનબંધ સ્ટોર્સનાં રેફ્રિજરેટર અને ફ્રીઝર યુનિટ્સનું તાપમાન વધારી દેવામાં આવ્યું હતું. તેને કારણે બેલ્જિયમ અને લક્ઝમબર્ગના અગ્રણી સુપરમાર્કેટ ગ્રૂપ Ahold Delhaize અને Colruyt ઉપરાંત સ્વીડનના રિટેલર્સ ICA અને Coop પણ ગંભીર રીતે પ્રભાવિત થયાં હતાં. આ ઉપરાંત જાણીતી ફર્નિચર અને ફૂડ રિટેલર કંપની IKEAનો એક સ્ટોર પણ આ હુમલાની ઝપટમાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર સ્ટોકહોમમાં આવેલા ICA સ્ટોરનાં સેલ્સ મેનેજર એંગલા ઇન્ગવાલ (Engla Ingwall)એ આ નુકસાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે લગભગ 2 વાગ્યે સાયબર હુમલો થયો હતો, પરંતુ તેની જાણકારી થોડા કલાકો બાદ મળી હતી. આ હુમલાને કારણે ફ્રીઝરનું તાપમાન અચાનક 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેને કારણે અંદર રાખવામાં આવેલી તમામ ખાદ્ય સામગ્રી બરબાદ થઈ ગઈ હતી. ICAના એક પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી હતી કે રાત્રે બનેલી આ ઘટનાથી કંપનીના કેટલાક સ્ટોર્સ પ્રભાવિત થયા છે અને તેમની કુલિંગ સિસ્ટમને મોટું નુકસાન થયું છે.

આ હુમલાનો ભોગ બનેલી કેટલીક કૂલિંગ સિસ્ટમ ડેનિશ કંપની Danfossની ટેક્નોલોજીનો ઉપયોગ કરતી હતી. ફ્રાન્સમાં થયેલા હુમલા દરમિયાન પણ આ જ કંપનીની ટેક્નોલોજીને નિશાન બનાવવામાં આવી હતી. યુરોપિયન કમિશને આ ઘટનાને ફૂડ સપ્લાય ચેઇનને ખોરવવા અને ગ્રાહકોનો વિશ્વાસ તોડવાના સુનિયોજિત પ્રયાસ તરીકે ગણાવી છે.

આ હુમલાની અસર બેલ્જિયમમાં Carrefourના 15 સ્ટોર્સ અને આયર્લેન્ડમાં SuperValuના 13 સ્ટોર્સમાં પણ જોવા મળી હતી. આ સ્ટોર્સને ઝડપથી બગડી શકે તેવી ખાદ્ય સામગ્રી તાત્કાલિક વેચાણમાંથી દૂર કરવાની ફરજ પડી હતી.