પુડુચેરીઃ ભારતીય ક્રિકેટ વિશ્વમાં સૌથી શક્તિશાળી કહેવાય છે, IPL જેવી લીગ અને કડક પસંદગી પ્રક્રિયા તેની ઓળખ છે. ખેલાડીઓનો વિશ્વાસ એમાં જ છે કે સિસ્ટમ નિષ્પક્ષ છે, પરંતુ પુડુચેરીમાં આ બધું ઊંધું થઈ ગયું છે. અહીં નકલી સરનામાં બનાવવામાં આવે છે, તે નકલી સરનામા પર ખેલાડીઓનાં આધાર કાર્ડ બને છે. એક સમાતંર પસંદગી સિસ્ટમ કાર્યરત છે અને આ બધું ક્રિકેટ એસોસિયેશન ઓફ પોંડિચેરી (CAP) અને BCCIના નાક નીચે થઈ રહ્યું છે.
તપાસમાં 2000થી વધુ ખેલાડીઓનાં ફોર્મ ચકાસવામાં આવ્યાં, અનેક ખેલાડીઓ સાથે વાતચીત થઈ અને સ્થળ પર જઈને ઘણાં સરનામાં તપાસવામાં આવ્યાં. જાણવા મળ્યું છે કે રૂ. 1.2 લાખ રૂપિયાની રકમ લઈને ખેલાડીઓને “સ્થાનિક ખેલાડી” બનાવી દેવામાં આવે છે. કોચ અને ખાનગી ક્રિકેટ અકાડમીઓ નકલી સરનામા , પાછલી તારીખથી કોલેજમાં એડમિશન અને નકલી નોકરીના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે છે. BCCIની જરૂરિયાત મુજબ એક વર્ષનું રહેઠાણનું પ્રમાણપત્ર કાગળોમાં પૂરું પાડવામાં આવે છે. એ પછી આ ખેલાડીઓને CAPની ટીમોમાં સીધો પ્રવેશ મળી જાય છે.
ફી આપો, સ્થાનિક બનો
બહારનાં રાજ્યોના ખેલાડીઓને BCCIની ફરજિયાત એક વર્ષનું સ્થાનિક સરનામાને અવગણીને અને ‘સ્થાનિક’ બનવા માટે રૂ. 1.2 લાખ અથવા વધુના પેકેજની ચુકવણી કરવી પડે છે.
- ખાનગી અકાદમીના કોચની મદદથી સ્થાનિક સરનામાનાં સર્ટિફિકેટ વેચવામાં આવે છે
- પૈસા ચૂકવનાર ખેલાડીઓને CAPની ટીમમાં તાત્કાલિક જગ્યા મળી જાય છે, જેથી તેને રણજી ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટ રમવાની તક મળે છે.

એક જ ‘આધાર’ સરનામે 17 ખેલાડી
સ્કેમનો સૌથી મોટો પુરાવો — પુડુચેરીની વિવિધ ટીમોમાંના 17 ‘સ્થાનિક’ ખેલાડીઓએ એક જ સરનામું આધાર કાર્ડમાં દર્શાવ્યું હતું. ઘરના માલિકે પુષ્ટિ કરી હતી કે તેણે ભાડૂઆતને મહિનાઓ પહેલાં જ કાઢી મૂક્યા હતા — એટલે હાલ તો ત્યાં કોઈ રહેતું જ નથી. આ ખોટી સિસ્ટમની સીધી અસર— પુડુચેરીમાં જન્મેલા ખેલાડીઓને તકો સમાપ્ત થઈ રહી છે.




