રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ઘેરી

નવી દિલ્હી: રાજ્યસભામાં પહેલગામ આતંકી હુમલો ચર્ચાનો વિષય બન્યો હતો. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે એ 22 એપ્રિલના દિવસે થયેલા આ હુમલા અંગે સરકારને કડક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે નિયમ 267ની હેઠળ ચર્ચાની માગ કરતાં જણાવ્યું હતું કે પહેલગામ હુમલાના આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી કે નથી મારવામાં આવ્યા. તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલના નિવેદનનો ઉલ્લેખ કરતા ઇન્ટેલિજન્સની નિષ્ફળતાનું આરોપ મૂક્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે LGએ સ્વીકાર્યું છે કે ઇન્ટેલિજન્સ ફેલ્યોર થયું છે. અમને માહિતી આપવામાં આવવી જોઈએ.

દેશ માટે અપમાનજનક છેઃ ખડગેએ સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પે 24 વખત એવું કહ્યું હતું કે તેમના હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું. આ દેશ માટે અપમાનજનક છે. તેમણે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ વિષે જે દુનિયાને જણાવવામાં આવ્યું છે, એ અમને પણ જણાવવું જોઈએ, ભારતીય લોકોને માહિતગાર કરવા જોઈએ.

ચર્ચા માટે સરકાર તૈયાર છેઃ નડ્ડા

મલ્લિકાર્જુન ખડગેની માગ પછી રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે એવો સંદેશ નહીં જવો જોઈએ કે સરકાર ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા ઇચ્છતી નથી. સરકારે આ મુદ્દા પર ચર્ચા માટે પૂરી તૈયારી કરી છે. તેમણે કહ્યું હતું કે અમે બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં સમય ફાળવવા માટે સૂચન કર્યુંમ છે. સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. ઓપરેશન સિંદૂરના આઠ દિવસોમાં જે બન્યું, એવું દેશના ઈતિહાસમાં કદી કોઈ ઓપરેશન દરમિયાન નથી થયું. તેમણે કહ્યું હતું કે તેઓ ઇતિહાસમાં જવા ઇચ્છતા નથી. આ દરમિયાન સદનમાં હંગામો વધતાં રાજ્યસભા સ્થગિત કરવામાં આવી હતી.