ભોપાલઃ સિહોર જિલ્લામાં આદિવાસી પરિવારોનાં ઘરો તોડી પાડવાના વિરોધમાં શરૂ થયેલું આંદોલન હવે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ તરફ આગળ વધી રહ્યું છે. આને કારણે મુખ્ય મંત્રી મોહન યાદવની સરકાર પર દબાણ વધી રહ્યું છે. એ સાથે જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા પોતાની જ પાર્ટીની સરકારના અધિકારીઓ સામે જાહેરમાં હસ્તક્ષેપ કરવાના રાજકીય અર્થ પણ સામે આવી રહ્યા છે.
બુધવાર સુધી સિહોર જિલ્લાના કોસમી ગામમાં પાંચ દિવસ સુધી ધરણાં કરવામાં આવ્યાં હતાં, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો. ત્યાર બાદ ગુરુવારે આદિવાસી પરિવારોએ ભોપાલ તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. આ ગામ બુધની વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. શિવરાજ સિંહ ચૌહાણ ઘણાં વર્ષો સુધી આ બેઠક પરથી ધારાસભ્ય રહ્યા છે. પ્રદર્શનકારીઓ મુખ્ય મંત્રી મોહન યાદવને મળવા માગે છે. તેઓ જમીન સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને વળતર, ફરીથી વસવાટની વ્યવસ્થા અને ઘરો તોડનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવા માગે છે. આંદોલનના આયોજકોનો અંદાજ છે કે આ કૂચમાં લગભગ 5000 લોકો સામેલ થઈ શકે છે. રસ્તામાં અન્ય ગામોના લોકો જોડાય તો આ સંખ્યા વધીને 10,000 સુધી પહોંચી શકે છે.
🚨BJP DIVIDED IN MADHYA PRADESH?
Former CM Shivraj Singh Chouhan criticised his own government over the demolition of tribal homes in Sehore
He called the action by the administration an injustice to tribal people, raising questions over the functioning of the government led by another BJP CM Mohan Yadav.
— Radio India 🇮🇳 (@Radio_India_) October 11, 2026
ભોપાલમાં 17 ઓક્ટોબરે પ્રદર્શન યોજવાની યોજના છે. પ્રદર્શન સાથે જોડાયેલા લોકોના જણાવ્યાનુસાર, 35થી વધુ ગામોની મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધો આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ પોતાની માગણીઓ સીધી મુખ્ય મંત્રી સમક્ષ રજૂ કરવા માગે છે. કૂચ શરૂ થવાના થોડા દિવસ પહેલાં શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યની ભાજપ સરકારની જાહેરમાં ટીકા કરી હતી. તેમણે અધિકારીઓ પર “અન્યાયની પરાકાષ્ઠા” કરવાનો આરોપ લગાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે જે પરિવારોએ ભાજપને મત આપ્યા હતા, તેમને જ નિશાન કેમ બનાવવામાં આવી રહ્યા છે?
યાદવ સરકાર માટે આ મામલો એટલા માટે સંવેદનશીલ છે, કારણ કે તેની ટીકા વિપક્ષ તરફથી નહીં, પરંતુ ભાજપના જ એક વરિષ્ઠ નેતા તરફથી થઈ રહી છે. શિવરાજ સિંહ ચૌહાણે સીધો આરોપ લગાવ્યો નથી કે ઘરો તોડી પાડવાનો આદેશ મુખ્ય મંત્રી મોહન યાદવે આપ્યો હતો. જોકે તેમણે કહ્યું છે કે અધિકારીઓએ જે રીતે કાર્યવાહી કરી છે, તેનાથી મુખ્ય મંત્રીની છબી ખરડાઈ શકે છે.



