પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના હાલીશહર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના કાફલા પર સ્થાનિક લોકો અને પ્રદર્શનકારીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન અને હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ પોલીસ હિરાસતમાં શંકાસ્પદ રીતે જીવ ગુમાવનારા TMC કાર્યકર્તા બિરજૂ કેઓટના પરિવારજનોને સાંત્વના આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડી પર પથ્થરો, જૂતા અને કાદવ ફેંકવામાં આવ્યા હતા તેમજ ‘ચોર-ચોર’ના નારા લગાવવામાં આવ્યા હતા.
સાંસદ ડોલા સેન અને કલ્યાણ બેનરજીનો આક્ષેપ
TMC સાંસદ ડોલા સેન અને કલ્યાણ બેનરજી (જેઓ ઘટના સમયે મમતા બેનરજી સાથે કારમાં હાજર હતા) ના જણાવ્યા મુજબ, પ્રદર્શનકારીઓએ પૂર્વ મુખ્યમંત્રીના વાહનને ઘેરી લીધું હતું અને વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જોતજોતામાં વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું અને ઉપદ્રવીઓએ કાર પર મોટા-મોટા પથ્થરો, જૂતા અને કાદવ ફેંકવાનું શરૂ કર્યું હતું. TMC નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રીના પ્રવાસને લઈને સ્થાનિક પોલીસે સુરક્ષાની કોઈ યોગ્ય વ્યવસ્થા કરી નહોતી.

હુમલા બાદ મમતા બેનરજીનું નિવેદન
ઘટના બાદ ભારે નારાજગી વ્યક્ત કરતા મમતા બેનરજીએ કહ્યું, પોલીસની હાજરીમાં મારી કાર પર મોટા પથ્થરો અને જૂતા ફેંકવામાં આવ્યા. જો કારની બારી ખુલ્લી હોત તો મારું માથું ફાટી જાત અને મોટી અણબનાવ બની શકી હોત. આ હુમલામાં આપણો જીવ પણ જઈ શક્યો હોત. મેં મારા જીવનમાં ક્યારેય આવું વાતાવરણ જોયું નથી. અહીં આખરે શું ચાલી રહ્યું છે? તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરી નહોતી અને અસામાજિક તત્વો પોલીસની સામે જ હુમલો કરી રહ્યા હતા. આ ઘટના અંગે તેમણે BJP પર આકરા પ્રહારો કર્યા હતા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો? (કસ્ટડી ડેથ)
કાંચરાપાડા નગરપાલિકાના વોર્ડ 23 માંથી રાજીનામું આપી ચૂકેલા તૃણમૂલ કાઉન્સિલર જેની શર્મા કીટના પતિ બિરજૂ કીટનું મૃત્યુ હાલીશહર પોલીસ સ્ટેશનની કસ્ટડી દરમિયાન થયું હતું. જેની શર્માએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસે લોકઅપની અંદર તેમના પતિને ઢોર માર માર્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
BJP પ્રદેશ અધ્યક્ષ અને નેતાઓની પ્રતિક્રિયા
પૂર્વ CM ના કાફલા પર થયેલા હુમલા અંગે BJP પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે BJP આવા કૃત્યોનું ક્યારેય સમર્થન કરતી નથી.
સમિક ભટ્ટાચાર્ય: “પૂર્વ મહિલા મુખ્યમંત્રીની ગાડી પર પથ્થર કે ચપ્પલ ફેંકવામાં ભાજપનો કોઈ કાર્યકર્તા સામેલ નથી. અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની પોલીસ આના પર તુરંત કડક કાર્યવાહી કરશે.”
અગ્નિમિત્રા પોલ: ભાજપના મંત્રી અગ્નિમિત્રા પોલે જણાવ્યું કે કોઈના પર શાહી, જૂતા કે ચપ્પલ ફેંકવા એ BJP ની સંસ્કૃતિ નથી. મમતા બેનરજીએ તેમના 14 વર્ષના કાર્યકાળમાં ઘણી ભૂલો કરી હશે, પરંતુ ભાજપ આવા વ્યવહારનું સમર્થન કરતી નથી.




