નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીની એ અરજીને તાત્કાલિક સુનાવણી માટે લિસ્ટ કરવા સંમતિ આપી છે, જેમાં તેમણે ચૂંટણી પંચના પોતાની પાર્ટીનાં નામ અને ચૂંટણી પ્રતીકને સીઝ (ફ્રીઝ) કરવાના નિર્ણયને પડકાર્યો છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને TMC નેતા મમતા બેનર્જીની અરજીનો ઉલ્લેખ કર્યો હતો. આ અરજીમાં પાર્ટીની અંદર ચાલી રહેલા નેતૃત્વ વિવાદ વચ્ચે ચૂંટણી પંચ (ECI)ના નિર્ણયને પડકારવામાં આવ્યો છે, જેમાં મમતા બેનર્જીના જૂથને મૂળ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નામ અને પાર્ટીના પરંપરાગત ‘ફૂલ અને ઘાસ’ ચૂંટણી પ્રતીકનો ઉપયોગ કરવાથી રોકી દેવામાં આવ્યાં છે.
સિબ્બલે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચૂંટણી પંચના આ નિર્ણય પર સ્ટે (રોક) લગાવવાની માગ કરી રહ્યા છે. સિબ્બલે ટિપ્પણી કરી હતી કે ચૂંટણી પંચ નવા-નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. ત્યાર બાદ CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે આ મામલાને સુનાવણી માટે લિસ્ટ કરવા સંમતિ દર્શાવી છે.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં મમતા બેનર્જી
શુક્રવારે મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ચૂંટણી પંચના 17 સપ્ટેમ્બરના વચગાળાના આદેશમાં બંને જૂથોને ‘ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને પાર્ટીના ‘ફૂલ અને ઘાસ’ પ્રતીકનો ઉપયોગ કરવાથી રોકી દેવામાં આવ્યાં હતાં અને તેમને ઓક્ટોબરમાં યોજાનારી પેટા ચૂંટણીઓ માટે અલગ-અલગ નામ અને પ્રતીક પસંદ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

મમતા અને બળવાખોર જૂથને મળ્યા નવા નામ અને ચૂંટણી પ્રતીક
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નામ અને ચૂંટણી પ્રતીકને લઈને ચાલી રહેલા વિવાદમાં ECએ બંને જૂથો માટે અલગ-અલગ ઓળખ નક્કી કરી દીધી છે. પંચના નિર્ણય મુજબ હવે અરૂપ રોયના નેતૃત્વ વાળું ઋતબ્રત બેનર્જી જૂથ ‘Democratic Trinamool Congress’ તરીકે ઓળખાશે. જ્યારે મમતા બેનર્જીના નેતૃત્વ વાળા જૂથને ‘Mamata All India Trinamool Congress’ નામ આપવામાં આવ્યું છે.




