ચાલુ ફ્લાઇટમાં એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કરતા અફરાતફરી

વોશિંગ્ટન : અમેરિકાના સાન ડિએગોથી શિકાગો જઈ રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ ૧૪૯૪ (Flight 1494)માં એક મુસાફરે ચાલુ વિમાને એક્ઝિટ ડોર (ઇમરજન્સી દરવાજો) ખોલવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે વિમાનને તાત્કાલિક રૂટ બદલીને એરિઝોનાના ફોનિક્સ સ્કાય હાર્બર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hook NewsFeed (@hooknewsfeed)

સહમુસાફરો અને ક્રૂ મેમ્બર્સે બતાવી હિંમત

ફોનિક્સ પોલીસ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર, ટેકઓફ થયાના લગભગ ૪૦ મિનિટ બાદ એક પુરુષ મુસાફર પોતાની સીટ પરથી ઊભો થઈને વિમાનના આગળના ભાગમાં ગયો હતો. ક્રૂ મેમ્બર્સની વારંવારની સૂચનાઓ છતાં તે સીટ પર પાછો ફર્યો નહોતો અને તેણે વિમાનના એક્ઝિટ ડોર સાથે ચેડાં કરવાનું શરૂ કર્યું હતું.

પરિસ્થિતિની ગંભીરતા જોતા ફ્લાઇટ એટેન્ડન્ટ્સ અને અન્ય બહાદુર મુસાફરોએ તાત્કાલિક એકજૂથ થઈને તે વ્યક્તિને કાબૂમાં લીધો હતો અને જ્યાં સુધી વિમાન ફોનિક્સમાં સુરક્ષિત લેન્ડ ન થયું ત્યાં સુધી તેને જકડી રાખ્યો હતો. વિમાનમાં સવાર મુસાફર સીન બેનેટે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, “કોઈએ વિમાન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે ફોનિક્સમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે. કેટલાક મજબૂત હીરોએ તેને કાબૂમાં લઈ લીધો. અમે સુરક્ષિત છીએ.”

તપાસ શરૂ, મુસાફરો સુરક્ષિત

ફોનિક્સ એરપોર્ટ પર રાત્રે લગભગ ૧ વાગ્યે વિમાન ઉતર્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તોફાની મુસાફરને વિમાનમાંથી નીચે ઉતાર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ઝપાઝપીમાં તે મુસાફરને સામાન્ય ઈજા થઈ હોવાથી તેને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે અન્ય કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. આ મામલે FBI ને જાણ કરવામાં આવી છે અને FAA દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તોફાની મુસાફરને ઉતાર્યા બાદ ફ્લાઇટ ફરીથી તેના મૂળ ગંતવ્ય સ્થાન શિકાગો ઓ’હેર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે રવાના થઈ હતી.