પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર વધુ ખાંડ, વધુ મીઠાની ‘સુપ્રીમ’ ચેતવણી ફરજિયાત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધીકરણ (FSSAI)ને ખાદ્ય ઉત્પાદનો પર ફ્રન્ટ-ઓફ-પેકેજ પોષણ લેબલિંગ (FOPNL)નો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે. આમાં વધુ ચરબી, ખાંડ અને મીઠું ધરાવતાં ઉત્પાદનો માટે અલગ-અલગ ચેતવણી ચિહ્નોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે નિર્દેશ આપ્યો છે કે દરેક ષટ્કોણાકાર ચેતવણી ચિહ્નમાં સંબંધિત પોષક તત્ત્વનું પ્રમાણભૂત ચિત્ર હોવું જોઈએ, જેની સાથે ‘વધુ ચરબી’, ‘વધુ ખાંડ’ અથવા ‘વધુ મીઠું’ જેવા શબ્દો પણ લખેલા હોવા જોઈએ.

કોર્ટે FSSAIને સંબંધિત પોષક તત્ત્વોની મર્યાદા નક્કી કરતી વખતે કુલ ખાંડ અને સેચ્યુરેટેડ ફેટને આધાર બનાવવા જણાવ્યું છે, માત્ર ઉમેરવામાં આવેલી ખાંડ અને ઉમેરવામાં આવેલી ચરબીને જ આધાર ન બનાવવાનો નિર્દેશ આપ્યો છે. FSSAIએ પુરાવાને આધારે દરેક સંબંધિત પોષક તત્ત્વ માટેના સ્તરનું પુનઃનિર્ધારણ કરવું પડશે અને એ સુનિશ્ચિત કરવું પડશે કે આ મર્યાદા ન તો ખૂબ ઓછી હોય અને ન તો ખૂબ વધારે.

અલગ-અલગ ચેતવણી લેબલ

કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે દરેક પોષક તત્ત્વ (ચરબી, ખાંડ અથવા મીઠું) માટે અલગ-અલગ ષટ્કોણાકાર ચેતવણી લેબલ હોવાં જોઈએ. તેમાં સંબંધિત ચિત્ર અને ચેતવણીના શબ્દો લખેલા હોવા જોઈએ. અનેક પોષક તત્ત્વો દર્શાવતું એક જ સંયુક્ત ષટ્કોણાકાર લેબલ માન્ય રહેશે નહીં. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે પેકેજના મુખ્ય ડિસ્પ્લે પેનલના પ્રમાણમાં ષટ્કોણાકાર ચેતવણી લેબલનું કદ એવું હોવું જોઈએ કે દરેક ષટ્કોણ તે પેનલના 4થી 5 ટકા વિસ્તારને આવરી લે. FSSAIને દરેક ષટ્કોણની અંદર લખાયેલા અક્ષરોના ફોન્ટનું કદ પણ એવું નક્કી કરવા સૂચના આપવામાં આવી છે કે સામાન્ય ખરીદી અને ઉપયોગની પરિસ્થિતિઓમાં સંબંધિત પોષક તત્ત્વના ચિત્ર સાથે ચેતવણી સ્પષ્ટપણે વાંચી શકાય.

કેન્દ્ર સરકારને પણ ખાદ્ય સુરક્ષા અને માનક (લેબલિંગ અને ડિસ્પ્લે) નિયમો, 2020 સહિત હાલના નિયમોનો કડક અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.