તામિલનાડુ સ્થિત ભારતના સૌથી મોટા પરમાણુ ઉર્જા મથક ‘કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ’ થી જોડાયેલા અત્યંત સંવેદનશીલ ડેટા લીક થવાના અહેવાલોથી હડકંપ મચી ગયો છે. ‘વર્લ્ડ લીક્સ’ નામના બે હેકર ગ્રૂપે આ પાવર પ્લાન્ટની અત્યંત ખાનગી માહિતી ઇન્ટરનેટ પર જાહેર કરી દીધી છે. આ લીક થયેલા ડેટામાં પ્લાન્ટના અમુક ભાગોની બ્લુપ્રિન્ટ્સ (નકશા), સપ્લાયર્સની વિગતો, સરકારી બેઠકો અને ઇન્સ્પેક્શન રેકોર્ડ્સ, સાધનોના રિવ્યુ અને વીમા પોલિસી સાથે સંબંધિત આશરે 19,000 મહત્વપૂર્ણ દસ્તાવેજો સામેલ છે. હેકર્સનો દાવો છે કે આ તમામ દસ્તાવેજો અનિલ અંબાણીની માલિકીના રિલાયન્સ ગ્રુપના છે, જે આ પ્લાન્ટમાં મહત્વના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યું છે.

રિલાયન્સ ગ્રુપે સરકારને આપી માહિતી
તામિલનાડુમાં આવેલો કુડનકુલમ પ્લાન્ટ ભારતના સાત પરમાણુ મથકોમાં સૌથી મોટો છે. રોયટર્સ (Reuters) ના અહેવાલ મુજબ, અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે સ્વીકાર્યું છે કે તેમના ડેટાબેઝમાં આંશિક સેંધમારી (હેકિંગ) થઈ છે. કંપનીએ ખુલાસો કર્યો છે કે આ ડેટા થર્ડ પાર્ટી ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઇડર ‘યોટ્ટા’ (Yotta) ના સર્વર પર હોસ્ટ કરવામાં આવ્યો હતો. રિલાયન્સ ગ્રુપે આ ગંભીર સાયબર હુમલાની માહિતી તાત્કાલિક ભારત સરકારને આપી દીધી છે, જોકે કયા પ્રકારની સિક્રેટ ફાઇલો ચોરાઈ છે તેની સ્પષ્ટતા હજુ કંપની દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી નથી.
બીજી તરફ, પરમાણુ સુરક્ષા અંગેની પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થા ‘ન્યુક્લિયર થ્રેટ ઇનિશિયેટિવ’ (NTI) ના સિનિયર ડિરેક્ટર નિકોલસ રોથે ચેતવણી આપી છે કે આ પ્રકારના ડેટા લીક થવાથી પ્લાન્ટની ભૌતિક અને આંતરિક સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.
લીક થયેલી 19,000 ફાઈલો સૌથી વધુ જોખમી
રોયટર્સના દાવા અનુસાર, લીક થયેલા દસ્તાવેજો વર્ષ 2016 થી લઈને વર્ષ 2025 વચ્ચેના સમયગાળાના છે. વર્લ્ડ લીક્સ વેબસાઇટ પર ઉપલબ્ધ રિલાયન્સની કુલ 858,000 ફાઇલોમાંથી આશરે 19,000 ફાઇલો અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત હોવાનું જણાયું છે. નોંધનીય છે કે, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વર્ષ 2018 માં કુડનકુલમ પ્લાન્ટના યુનિટ 3 અને યુનિટ 4 ની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન માટેનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. હાલમાં આ બંને યુનિટોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તે વર્ષ 2027 સુધીમાં સંપૂર્ણ કાર્યરત થવાની અપેક્ષા છે. આ પ્લાન્ટ ચાલુ થયા બાદ કુલ 2000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે.
કોણ છે આ ‘વર્લ્ડ લીક્સ’ ગ્રુપ?
આ એક કુખ્યાત રેન્સમવેર હેકર ગ્રુપ છે, જે મોટી કોર્પોરેટ કંપનીઓનો ડેટા ચોરી કરીને બ્લેકમેલ કરે છે અને ખંડણી (ransom) વસૂલવાનું કામ કરે છે. જો તેમને પૈસા ન મળે, તો તેઓ ડેટાને ડાર્ક વેબ પર સાર્વજનિક કરી દે છે. આ અગાઉ આ ગ્રુપ વિશ્વ વિખ્યાત બ્રાન્ડ નાઇકી (Nike) અને ભારતના ટાટા ગ્રુપ (Tata Group) ને પણ નિશાન બનાવી ચૂક્યું છે. આ હેકર્સ ગ્રુપે જૂન મહિનામાં ટાટા ગ્રુપનો ડેટા લીક કર્યો હતો, જેમાં એપલ અને ટેસ્લા જેવી વૈશ્વિક બ્રાન્ડ્સના ગુપ્ત કમ્પોનન્ટ ડિઝાઇન્સ સામેલ હતા. તે સમયે હેકર્સે 1.5 million ડોલરની ખંડણી માંગી હતી, પરંતુ કંપનીએ ચૂકવણી ન કરતા ડેટા લીક કરી દેવાયો હતો.



