નાગોયા (જાપાન): વર્ષ 2026ની એશિયન ગેમ્સના આયોજન પૂર્વે જ યજમાન શહેર નાગોયામાં મેઘરાજાએ ભારે હોનારત સર્જી છે. જાપાનના આ મધ્યવર્તી શહેરમાં 8 સપ્ટેમ્બરના રોજ માત્ર એક જ કલાકમાં આશરે 104.5 મીમી જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો હતો, જે 1890 પછીનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ અતિભારે વરસાદના કારણે નાગોયા શહેરના મુખ્ય માર્ગો, શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને રેલવે લાઇન પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
🚨NAGOYA HIT BY RECORD FLOODING — ASIAN GAMES PREPARATIONS CONTINUE
Nagoya was hit by an unprecedented deluge, with 104.5mm of rain recorded in just one hour — the highest hourly rainfall since records began in 1890.
Flooding disrupted roads and public transport, while… pic.twitter.com/40dBDcnbPk
— nnis Sports (@nnis_sports) September 9, 2026
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાન હવામાન એજન્સીએ ગિફુ અને આઇચી પ્રીફેક્ચરમાંથી પસાર થતી શોનાઇ નદી માટે સૌથી ભયાનક એવું ‘લેવલ 5’ પૂરનું એલર્ટ જારી કર્યું છે. સુરક્ષાના પગલારૂપે, એશિયન ગેમ્સ માટે વહેલા આવી પહોંચેલા આશરે 400 જેટલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલા કન્ટેનર આવાસ વિસ્તારોમાં પૂરનું પાણી ભરાવાની શક્યતાને પગલે આ નિર્ણય લેવાયો હતો.
પૂરના કારણે સ્થાનિક જનજીવન ભારે પ્રભાવિત થયું છે. નાગોયામાં બસ અને સબવે સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી, જ્યારે જેઆર ચુઓ લાઇનના ટ્રેક જળમગ્ન થઈ ગયા હતા. આશરે 3,500થી વધુ લોકોએ ઇમરજન્સી શેલ્ટર હોમમાં આશ્રય લેવો પડ્યો છે, જ્યારે 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.
રમતગમતના આયોજન પર અસરો
પૂર હોવા છતાં નાગોયાના મેયર ઇચિરો હિરોસાવાએ સ્પષ્ટતા કરી છે કે રમતોના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે કેટલીક સ્પોર્ટ્સ વેન્યુની છતોમાંથી પાણી ટપકવાની નાની-મોટી ઘટનાઓ સિવાય અન્ય કોઈ મોટું નુકસાન થયું નથી અને આયોજન નિર્ધારિત સમયપત્રક મુજબ જ આગળ વધશે.
19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી આ એશિયન ગેમ્સમાં 45 દેશોના 11,000થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. વર્ષ 1951માં નવી દિલ્હીથી શરૂ થયેલી એશિયન ગેમ્સની આ 75મી વર્ષગાંઠ છે અને ટોક્યો (1958) તથા હિરોશિમા (1994) પછી જાપાન ત્રીજી વખત આ રમતોત્સવની યજમાની કરી રહ્યું છે.




