TET પેપર લીક કાંડના માસ્ટરમાઇન્ડની  બિહારથી ધરપકડ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર રહેલા કથિત પેપર લીક માફિયા વિજેન્દ્ર ગુપ્તાની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે અન્ય એક આરોપીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યાનુસાર વિજેન્દ્ર ગુપ્તા ઘણા મહિનાઓથી ધરપકડથી બચતો ફરતો હતો. તેને પકડવા માટે બિહાર સહિત અનેક રાજ્યોમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા.

વિજેન્દ્ર ગુપ્તાનું નામ દેશનાં અનેક ચર્ચિત પેપર લીક કૌભાંડો સાથે જોડાયું છે. વર્ષ 2024માં NEET પેપર લીક વિવાદ બાદ સ્ટિંગ ઓપરેશનમાં તેણે કથિત રીતે પેપર લીક સિન્ડિકેટ કેવી રીતે કામ કરે છે અને NTAની સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ વિશે અનેક દાવા કર્યા હતા.

પોલીસને ચકમો આપી રહ્યો હતો વિજેન્દ્ર ગુપ્તા

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં અગાઉ વિજેન્દ્ર ગુપ્તાની પત્ની સહિત અનેક અન્ય આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હવે મુખ્ય આરોપીની ધરપકડ બાદ મહારાષ્ટ્ર પોલીસને આશા છે કે પેપર લીક નેટવર્ક, તેના સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અને સમગ્ર સિન્ડિકેટ કેવી રીતે કાર્ય કરે છે તે અંગે અનેક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. પોલીસ હાલમાં તેની પૂછપરછ કરીને કેસની વધુ તપાસ કરી રહી છે.

વિદ્યાર્થી આંદોલન વચ્ચે ધરપકડ મહત્વપૂર્ણ

વિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે દિલ્હીના જંતર-મંતરથી લઈને દેશના અનેક વિસ્તારોમાં NEET પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓના આંદોલનો ચાલી રહ્યા છે. CJPના બેનર હેઠળ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પેપર લીક સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની સતત માગ કરી રહ્યા છે.

હત્યા અને પેપર લીક કેસમાં અગાઉ પણ થઈ હતી ધરપકડ

પોલીસના જણાવ્યાનુસાર વર્ષ 2003માં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતી વખતે બેગુસરાયમાં થયેલા એક હત્યા કેસમાં વિજેન્દ્ર કુમાર ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. વિજેન્દ્ર કુમાર ગુપ્તાની પત્ની સુમન કુમારીએ પોલીસને જણાવ્યું હતું કે તે કેસમાં વિજેન્દ્ર નિર્દોષ સાબિત થયો હતો. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2011માં મધ્ય પ્રદેશના ભોપાલમાં રાજ્ય સ્તરની ભરતી પરીક્ષાનું પેપર લીક થયાના કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને જામીન મળ્યા હતા.