મહિલા અનામતને માયાવતીનું સમર્થન, પણ SC-ST મહિલાઓ માટે અલગ ક્વોટાની માંગ

લખનઉ: બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીએ શનિવારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસનું સ્વાગત કર્યું છે. જોકે, આ સાથે જ તેમણે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગની મહિલાઓ માટે અલગથી પેટા-અનામત (સબ-ક્વોટા) આપવાની માંગણી કરી છે અને સીમાંકન (Delimitation) પ્રક્રિયામાં રાજકીય ગેરરીતિઓ સામે રક્ષણ આપવા જણાવ્યું છે.

સંસદના ૩૦ નવેમ્બરથી શરૂ થતા વિશેષ સત્ર અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની વાત રજૂ કરતા માયાવતીએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી શરૂઆતથી જ મહિલાઓના સન્માન, સુરક્ષા અને રાજકીય પ્રતિનિધિત્વની તરફેણ કરતી આવી છે. તેમણે કહ્યું કે સદીઓથી શોષણ અને ઉપેક્ષાનો ભોગ બનેલી SC અને ST સમાજની મહિલાઓને જો અલગથી અનામત આપવામાં આવ્યું હોત તો તે ઐતિહાસિક પગલું ગણાત અને તેમને ચૂંટણીના રાજકારણમાં આગળ વધવાની યોગ્ય તક મળત. તેમણે કેન્દ્ર સરકારને આ માંગ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા અપીલ કરી છે.

લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં ૫૦ ટકાના પ્રસ્તાવિત વધારા અને સીમાંકન પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરતા માયાવતીએ સત્તાધારી પક્ષો પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રમાં જે પણ પક્ષ સત્તામાં હોય છે, તે મોટાભાગે દેશ અને જનતાના હિત કરતાં પોતાના રાજકીય સ્વાર્થને વધુ મહત્ત્વ આપે છે. માયાવતીએ મતદારોને અપીલ કરી હતી કે તેઓ ધર્મ, જાતિ કે પ્રાદેશિક ભાવનાઓમાં આવ્યા વિના અને લોભામણી જાહેરાતોથી ભ્રમિત થયા વિના લોકશાહી તથા બંધારણની રક્ષા માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરે.