બસપા પ્રમુખ માયાવતીએ મહિલા આરક્ષણને લઈને કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જોકે, તેમણે માગ કરી છે કે 33 ટકા મહિલા આરક્ષણમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની મહિલાઓ માટે અલગથી અનામતની જોગવાઈ કરવામાં આવે. માયાવતીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાથી સદીઓથી શોષણ, પીડા અને ઉપેક્ષાનો સામનો કરતી મહિલાઓને રાજકારણમાં યોગ્ય ભાગીદારીની તક મળી શકશે.

માયાવતીએ જણાવ્યું હતું કે બસપા શરૂઆતથી જ તમામ સમાજની મહિલાઓના સન્માન, સુરક્ષા અને રાજકારણમાં યોગ્ય તક આપવાની તરફેણ કરતી રહી છે. પાર્ટી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણનો વહેલી તકે અમલ કરવાની માગ કરતી આવી છે. તેમણે કહ્યું કે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના સમાનતાવાદી બંધારણની ભાવનાને અનુરૂપ મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
SC-ST મહિલાઓ માટે અલગ આરક્ષણની માગ
બસપા પ્રમુખે કહ્યું કે મહિલા આરક્ષણમાં SC અને ST સમાજની મહિલાઓ માટે અલગથી અનામતની વ્યવસ્થા કરવામાં આવી હોત તો તે ઐતિહાસિક પગલું સાબિત થયું હોત. તેમના મતે, જાતિવાદ, ધનબળ અને બાહુબળથી પ્રભાવિત ચૂંટણી રાજકારણમાં આ વર્ગોની મહિલાઓને પણ આગળ વધવાની અને યોગ્ય ભાગીદારી મેળવવાની તક મળવી જોઈએ. આ અંગે તેમણે કેન્દ્ર સરકારને સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવાની અપીલ કરી હતી.
માયાવતીએ લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં હાલની બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવા સંબંધિત ત્રણ ખરડાઓ અને સીમાંકન પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે બેઠકોની સંખ્યા નક્કી કરતી વખતે ગેરરીતિ કરીને રાજકીય અને ચૂંટણીલક્ષી હિતો સાધવાના આક્ષેપો નવા નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની સત્તામાં રહેલા પક્ષો અનેક વખત દેશ અને જનહિત કરતાં પક્ષના હિતને વધુ મહત્ત્વ આપે છે. માયાવતીએ લોકોને ધર્મ, જાતિ અને પ્રાદેશિકતાથી ઉપર ઊઠીને તેમજ લોભામણાં વચનો અને જાહેરાતોથી પ્રભાવિત થયા વિના યોગ્ય ઉમેદવારોને પસંદ કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. તેમના મતે, આ જ લોકશાહી અને બંધારણની સુરક્ષા તથા સન્માનની સાચી ગેરંટી છે.




