ગાંધીનગર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ‘સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ’ યોજાયો હતો. સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આયોજીત આ કાર્યક્રમ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર છે. તેમણે આનુવંશિક રોગોને અટકાવવા માટે લગ્ન પહેલાં પરંપરાગત કુંડળીની જેમ જ ‘મેડિકલ કુંડળી’ એટલે કે સિકલ સેલ સ્ટેટસ તપાસવા પર ખાસ ભાર મૂક્યો હતો, જેથી આવનારી પેઢીને આ રોગ વારસામાં ન મળે.
વર્ષ ૨૦૦૬થી ગુજરાતમાં શરૂ થયેલી શ્રેષ્ઠ સ્ક્રીનિંગ કામગીરીનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉમેર્યું કે, યોગ્ય કાળજી અને સારવારથી આ રોગ સાથે પણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન સિકલ સેલ પીડિત બાળકોએ પ્રફુલભાઈને ચિત્ર ભેટ આપ્યું હતું.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું કે, વેક્સિન આધારિત રોગો કરતા સિકલ સેલ જેવા જેનેટિક (જનીની) રોગોની નાબૂદી વધુ પડકારજનક છે. ગુજરાતમાં હાલ અંદાજે ૫.૫ લાખ સિકલ સેલ કેરિયર્સ અને ૩૦,૦૦૦ સક્રિય દર્દીઓ છે. જેને રોકવા માટે પોપ્યુલેશન સ્ક્રીનિંગ, જેનેટિક કાઉન્સિલિંગ અને ‘જનભાગીદારી’ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. આ કાર્યક્રમમાં નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ. રતનકવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






