આલ્કોહોલ ધરાવતી દવાઓ હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

નવી દિલ્હી: હવે 12 ટકા કરતાં વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ ખરીદવા માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન  જરૂરી રહેશે. ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શિડ્યુલ (Schedule) H1 શ્રેણીમાં સામેલ કરી છે. Schedule H1 હેઠળ આવતી દવાઓ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાતી નથી. એ ઉપરાંત આવી દવાઓ વેચતા દવાખાનાઓ અને મેડિકલ સ્ટોર્સ માટે વેચાણનો રેકોર્ડ રાખવો પણ ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયની સીધી અસર અનેક કફ સિરપ અને ટોનિક પર પડશે.

ઘણા કફ સિરપમાં આલ્કોહોલની માત્રા હોય છે. અગાઉ સામાન્ય રીતે ગ્રાહક દુકાન પર જઈને કફ સિરપનું નામ જણાવે એટલે તેને સરળતાથી મળી જતું હતું, પરંતુ હવે નવા નિયમો અમલમાં આવ્યા બાદ આવી દવાઓ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી બનશે.

નશા માટે દવાઓના ઉપયોગ પર કડક નિયંત્રણ

વાસ્તવમાં, આલ્કોહોલયુક્ત દવાઓનો ઉપયોગ ઘણા લોકો નશા તરીકે કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વિવિધ રાજ્યોમાંથી કોડિનયુક્ત કફ સિરપની મોટા પાયે તસ્કરી થતી હોવાના અહેવાલો પણ મળ્યા છે. આ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે સરકારે ડ્રગ્સના નિયો, 1945માં સુધારો કરીને આ નવો નિયમ અમલમાં મૂક્યો છે.

ગત વર્ષે કફ સિરપના ઉપયોગને કારણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અનેક બાળકોના મૃત્યુના બનાવો સામે આવ્યા બાદ આવા ફેરફારો અંગે વિચારણા શરૂ કરવામાં આવી હતી. આ માટે ઓક્ટોબર, 2025માં સરકાર દ્વારા ડ્રાફ્ટ જાહેર કરીને લોકો પાસેથી સૂચનો અને અભિપ્રાયો માગવામાં આવ્યા હતા. જોકે કોઈ ખાસ વાંધો કે વિરોધ નોંધાયો નહોતો. ત્યાર બાદ સરકારે ડ્રગ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ સાથે ચર્ચા કરીને આ નિયમને કાયદાકીય સ્વરૂપ આપ્યું હતું. નવા નિયમ મુજબ, હવે 12 ટકા કરતાં વધુ આલ્કોહોલ ધરાવતી અને મોઢેથી લેવાતી (Oral) તમામ દવાઓ, જે 30 મિલીલીટરથી મોટા પેક અથવા બોટલમાં વેચાય છે, તે Schedule H1 હેઠળ આવશે.