રાંચી: ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC)ની સરકારી ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીક સામે વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. આ સમગ્ર આંદોલનનો મુખ્ય ચહેરો જાણીતા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો બન્યા છે. તેમણે રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે અચોક્કસ મુદતના ભૂખ હડતાળ (Hunger Strike)ની જાહેરાત કરી છે. ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના તાજેતરના સત્યાગ્રહ બાદ હવે ઝારખંડમાં શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શને રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે.
આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓ
દેવેન્દ્રનાથ મહતો અને હજારો પરીક્ષાર્થીઓની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
-
14મી JPSC સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા તથા JSSC CGL પરીક્ષાઓમાં થયેલી ધાંધલીઓની CBI અને ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
-
પારદર્શિતા અને ન્યાય સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી 14મી JPSC પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ રદ કરવામાં આવે.
ભૂખ હડતાળના બીજા દિવસે એક સંદેશમાં દેવેન્દ્રનાથ મહતોએ જણાવ્યું કે, “શરીરમાં નબળાઈ આવી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો મારો સંકલ્પ પહેલાં કરતાં વધુ મજબૂત છે. આ લડાઈ મારી વ્યક્તિગત નથી, પરંતુ ઝારખંડના લાખો યુવાનોના ભવિષ્ય માટેની છે.”
કોણ છે દેવેન્દ્રનાથ મહતો?
રાંચીના ગ્રામીણ વિસ્તારમાંથી આવતા દેવેન્દ્ર નાથ મહતોએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી યુનિવર્સિટીમાંથી સંસ્કૃત તેમજ કુડમાલી ભાષામાં બે માસ્ટર્સ ડિગ્રી (Postgraduation) મેળવી છે અને B.Ed. કરેલું છે. ૨૦૧૫થી જ વિદ્યાર્થીઓના મુદ્દાઓ, સ્કોલરશિપ, પેપર લીક અને ભરતીના નિયમો માટે લડતા રહ્યા છે. છઠ્ઠી JPSC પરીક્ષાના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે માતા ગુમાવ્યા હતા. ૨૦૨૪ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેમણે તામર (Tamar) બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી.
કોકરોચ જનતા પાર્ટીનું આંદોલનને સમર્થન
ઝારખંડના વિદ્યાર્થી આંદોલનને હવે CJP (Cockroach Janta Party)નું પણ સમર્થન સાંપડ્યું છે. CJPના સ્થાપક અભિજિત દીપકે (Abhijeet Dipke)એ વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો અને અન્ય વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવા નેતાઓ સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી અને તેમની માંગણીઓને વ્યાજબી ગણાવીને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. દેવેન્દ્રનાથ મહતોએ પણ CJP સાથેની આ વાતચીતને હકારાત્મક ગણાવી હતી.




