નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 13,000 કરોડ રૂપિયાની કહેવાતી છેતરપિંડીને મામલે આરોપી હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થયા પછી ચાર મહિના બાદ ભારતે ત્યાંની સરકારને એક આશ્વાસન પત્ર મોકલ્યો છે. આ પત્રમાં ભારતે જણાવ્યું છે કે જો મેહુલ ચોકસીને ભારત લાવવામાં આવશે, તો તેને મુંબઈની આર્થર રોડ જેલના પરિસરમાં જ રાખવામાં આવશે.
મેહુલ ચોકસીને CBI તરફથી મોકલાયેલા પ્રત્યાર્પણ વિનંતી બાદ એપ્રિલમાં બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા મહિને બેલ્જિયમની એક કોર્ટે તેના જામીન અરજીને નામંજૂર કરી હતી. ગૃહ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી રાકેશકુમાર પાંડે દ્વારા ચોથી સપ્ટેમ્બરે બેલ્જિયમના અધિકારીઓને મોકલાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે ચોકસીના બેલ્જિયમમાંથી પ્રત્યાર્પણની માગ કરી છે જેથી તે ભારતમાં કેસનો સામનો કરી શકે. પાંડેના જણાવ્યા મુજબ ચોકસીના સરેન્ડર માટેની પ્રત્યાર્પણ કાર્યવાહી “ચેંબર્સ ઓફ ઇન્ડિકેશન” સમક્ષ આગળ વધી રહી છે.
પત્રમાં શું–શું લખાયું
પાંડે પત્રમાં લખ્યું છે કે મહારાષ્ટ્ર સરકારના એક રિપોર્ટને આધારે કેન્દ્ર સરકારે વિશ્વાસ આપ્યો છે કે મેહુલ ચોકસીને મુંબઈની આર્થર રોડ જેલના બેરક નંબર 12માં રાખવામાં આવશે. જો તે દોષી સાબિત થશે તો સંભાવિત કેદની સંપૂર્ણ અવધિ દરમિયાન તેને એવી કોઠરીમાં રાખવામાં આવશે, જ્યાં તેને ઓછામાં ઓછી ત્રણ ચોરસ મીટરની ખાનગી જગ્યા મળશે.
આ પત્રમાં પાંડે એ પણ ખાતરી આપી કે મેહુલ ચોકસીને જે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે, ત્યાં તેને એક સ્વચ્છ અને જાડી કપાસની ચટાઈ, તકિયો, ચાદર અને કંબલ આપવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું કે જો તબીબી જરૂર પડશે તો તેને લાકડાની પથારી પણ આપવામાં આવશે. આ ઉપરાંત રૂમમાં સારી રોશની, હવા અને જરૂરી ખાનગી સામાન રાખવાની જગ્યા પણ ઉપલબ્ધ હશે. ચોકસી અને તેનો ભત્રીજો નીરવ મોદી, પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં વોન્ટેડ છે.
