નવી દિલ્હી: વિદ્યાર્થી આંદોલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી વિડિયોને ફેસબુક પરથી થોડા સમય માટે હટાવી દેવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા કંપની ‘મેટા’ (Meta) એ સત્તાવાર માફી માંગી છે. ટેકનિકલ ખામીના કારણે આ વિડિયો ડિલીટ થઈ ગયો હોવાનું સ્પષ્ટતા કરતા મેટાએ તેને ફેસબુક પર ફરીથી રિસ્ટોર કરી દીધો છે.
બીજી તરફ, ભારત સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ વિષય પર ખુલાસો માંગવા માટે મેટા અને ઈન્સ્ટાગ્રામના ગ્લોબલ હેડ્સને સમન પાઠવ્યા છે.
શું હતો સમગ્ર વિવાદ?
NEET-UG પેપર લીકના વિરોધમાં અને તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશભરમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગુરુવારે (૨૩ જુલાઈ) મધ્યરાત્રિએ પીએમ મોદીએ પોણા ત્રણ મિનિટનો એક સેલ્ફી વિડિયો પોસ્ટ કરીને સીધો જ યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
આ વિડિયોમાં વડાપ્રધાને ખાતરી આપી હતી કે સરકાર પેપર લીક અને પરીક્ષાની ગેરરીતિઓને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ ૨૨ લાખ ઉમેદવારોનું શૈક્ષણિક વર્ષ બગાડ્યા વિના ફરીથી પરીક્ષા યોજવાની વાત કહી હતી.
વિડિયો ગાયબ થતાં ભાજપનો આક્રોશ
આ વિડિયો અચાનક ફેસબુક પરથી અદૃશ્ય થઈ જતાં ભાજપના નેતાઓ અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ નેતા તજિંદર બગ્ગાએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો હતો કે “કોઈ વિદેશી પ્લેટફોર્મને ભારતના વડાપ્રધાનના સંદેશ પર સેન્સરશિપ લગાવવાનો અધિકાર કોણે આપ્યો?”
ઈન્સ્ટાગ્રામ પર બન્યો હતો વર્લ્ડ રેકોર્ડ
વડાપ્રધાન મોદીનો આ સેલ્ફી વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર માત્ર ૨૪ કલાકની અંદર આ વિડિયોને ૩૦૩ મિલિયન (૩૦.૩ કરોડ)થી વધુ વ્યૂઝ મળ્યા હતા. જેણે અગાઉનો ૩૦૦ મિલિયન વ્યૂઝનો વિશ્વ વિક્રમ તોડી નાખ્યો હતો. વિડિયોને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ પીએમ મોદીએ બીજો એક વિડિયો પોસ્ટ કરીને દેશના યુવાનોનો આભાર પણ માન્યો હતો.
આ સમગ્ર મામલે મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ સામગ્રી ભૂલથી હટાવી દેવામાં આવી હતી અને હવે તેને પ્લેટફોર્મ પર પુનઃસ્થાપિત કરવામાં આવી છે.”




