મધ્ય-પૂર્વ યુદ્ધને લીધે ફ્યુઅલ પછી અનાજનું સંકટઃ અહેવાલ

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટ યુદ્ધ હવે માત્ર સૈન્ય અથવા રાજકીય સંકટ પૂરતું નથી રહ્યું, પરંતુ તે ઝડપથી વૈશ્વિક ખાદ્ય ઇમર્જન્સીનું સ્વરૂપ લઈ રહ્યું છે. ખાતરની અછત, ઊર્જાની વધતી કિંમતો અને સપ્લાય ચેઇનમાં અવરોધો મળીને દુનિયા સામે રેકોર્ડ સ્તરની મોંઘવારી અને ભૂખમરાનો ખતરો ઊભો કરી રહ્યા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના તાજેતરના વિશ્લેષષણમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

જો આ સંઘર્ષ જૂન સુધી ચાલુ રહે તો દુનિયામાં 4.5 કરોડ લોકો ગંભીર ભૂખનો ભોગ બની શકે છે. તેનાથી વૈશ્વિક સ્તરે ભૂખ્યા લોકોની કુલ સંખ્યા 31.9 કરોડને પાર પહોંચી શકે છે. 28 ફેબ્રુઆરીથી ચાલુ હુમલાઓને કારણે માનવતાવાદી સહાય પહોંચાડતા સમુદ્રી માર્ગો બંધ થઈ ગયા છે, જેને કારણે જરૂરિયાતમંદ લોકો સુધી ખોરાક પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, એમ WFPનો રિપોર્ટ કહે છે.

ઓઇલ નહીં, ‘ખાતર’ છે અસલી ચિંતા

હોર્મુઝ જલસંધિ બંધ થવાથી માત્ર પેટ્રોલ મોંઘું થયું નથી, પરંતુ ખેતીની પાયાની વ્યવસ્થા હચમચી ગઈ છે. વિશ્વમાં વેપાર થતું કુલ યુરિયાનું લગભગ અડધું ઉત્પાદન ખાડી વિસ્તારથી આવે છે. કતારની ફર્ટિલાઇઝર કંપની દુનિયાના લગભગ 14 ટકા યુરિયાનું ઉત્પાદન કરે છે. ગેસની અછત અને હુમલાઓને કારણે કતાર અને અન્ય ખાડી દેશોએ ખાતરનું ઉત્પાદન બંધ કર્યું છે અથવા ઘટાડ્યું છે. મિડલ ઈસ્ટમાંથી આવતા ખાતરની કિંમતો છેલ્લા થોડા અઠવાડિયામાં લગભગ 40 ટકા સુધી વધી ગઈ છે.

આ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર ગોળાર્ધ (જેમાં ભારત પણ આવે છે)માં વાવણીની મુખ્ય સીઝન ચાલી રહી છે. ફેબ્રુઆરીના મધ્યથી મેની શરૂઆત સુધી ખેડૂતોએ પાકમાં સૌથી વધુ ખાતરનો ઉપયોગ કરવો પડે છે. ખાતર મોંઘું થતાં ખેડૂતો તેનો ઓછો ઉપયોગ કરશે, જેને કારણે ચોખા, ઘઉં અને મકાઈ જેવી મૂળભૂત પાકોની ઊપજ ઘટવાની શક્યતા છે.

ભારત અને બ્રાઝિલ જેવા મોટા ઉત્પાદકો ‘ડેન્જર ઝોન’માં

ખાડી દેશો પર ખાતર માટેની નિર્ભરતા વિશ્વના મોટા અન્ન ઉત્પાદક દેશોને સંકટમાં મૂકી રહી છે. ભારત પોતાની જરૂરિયાતના 40 ટકાથી વધુ ખાતર મિડલ ઈસ્ટમાંથી આયાત કરે છે. ગેસની અછતને કારણે ભારતના ઘણા યુરિયા પ્લાન્ટોમાં ઉત્પાદન લગભગ 70 ટકા સુધી ઘટ્યું છે. દુનિયાનું સૌથી મોટું સોયાબીન નિકાસકાર બ્રાઝિલ લગભગ સંપૂર્ણ રીતે વિદેશી ખાતર પર નિર્ભર છે, જેમાંથી મોટો ભાગ હોર્મુઝ માર્ગ દ્વારા આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચીને પોતાના સુરક્ષિત ભંડારમાંથી ખાતર બહાર પાડવાનું શરૂ કર્યું છે.