નવી દિલ્હીઃ દેશમાં અરાવલી પહાડીઓને બચાવવા અંગે ફરી એક નવી ચર્ચા શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે હાલમાં કહ્યું છે કે અરાવલી વિસ્તારમાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી પહાડીઓને જંગલ તરીકે વર્ગીકૃત નહીં કરવામાં આવે.આ આદેશ સામે આવતા જ પર્યાવરણ નિષ્ણાતો અને કાર્યકરો દ્વારા તેનો વિરોધ શરૂ થયો છે. સોશિયલ મિડિયા પર પણ મોટી સંખ્યામાં યુવાનો ‘સેવ અરાવલી’ અભિયાન ચલાવી રહ્યા છે.
વિવાદ શું છે?ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI)એ પોતાની એક રિપોર્ટમાં અરાવલી વિસ્તારની લગભગ 10,000 પહાડીઓને અરાવલી પર્વતમાળાનો ભાગ ગણાવ્યો હતો. એ સાથે જ ભલામણ કરી હતી કે આ વિસ્તારોમાં ખનન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ રિપોર્ટ બાદ રાજસ્થાનની ભજનલાલ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. રાજ્ય સરકારે દલીલ કરી કે જો આ રિપોર્ટને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે તો રાજ્યમાં ચાલી રહેલી મોટા ભાગની ખનન પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. રાજ્ય સરકારની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મુદ્દે નવા કાયદાની જરૂર છે અને ત્યાં સુધી જૂની વ્યવસ્થાઓ યથાવત્ રાખી શકાય.
અરાવલીને લઈને 100 મીટરનો વિવાદ શું છે?
અરાવલીને વ્યાખ્યાયિત કરવા માટે એક નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરળ શબ્દોમાં કહીએ તો હવે 100 મીટર અથવા તેથી વધુ ઊંચાઈ ધરાવતી પહાડીઓને જ અરાવલીની શ્રેણીમાં ગણવામાં આવશે. જે પહાડીઓ 100 મીટરથી ઓછી ઊંચાઈની હશે, તેને જંગલ તરીકે વર્ગીકૃત નહીં કરવામાં આવે.
આ વ્યાખ્યાનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે આરોપ છે કે ઘણી કંપનીઓ ખનન માટે 100 મીટર અથવા તેથી વધુ ઊંચાઈ ધરાવતી પહાડીઓને પણ 60 કે 80 મીટર ઊંચી બતાવીને રેકોર્ડમાં નોંધાવી રહી છે, જેથી ત્યાં ખનનની મંજૂરી મળી શકે.
દિલ્હીને શું અસર પડશે?
નિષ્ણાતોના મતે જો અરાવલીને બચાવવામાં નહીં આવે તો તેનો પ્રભાવ માત્ર પહાડીઓ સુધી સીમિત નહીં રહે. આખીં ઇકોસિસ્ટમ જોખમમાં આવી શકે છે, ગરમી અને તાપમાન વધી શકે છે, પાણીની તંગી ગંભીર બની શકે છે, શ્વાસ સંબંધિત બીમારીઓ વધે તેવી શક્યતા છે અને લોકોનું સ્થળાંતર પણ થઈ શકે છે. ઉપરાંત દિલ્હી-NCRમાં પ્રદૂષણ અને પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.


