મંત્રી પ્રવીણ માળીએ ડીસાથી અંબાજી સુધી 100 KMની સાઇકલ યાત્રા કરી

બનાસકાંઠા: રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ ડીસાથી પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી સુધી આશરે 100 કિલોમીટર લાંબી ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’નું આયોજન કર્યું હતું.

‘શ્રદ્ધાથી સ્વચ્છતા’ અને ‘ગ્રીન મોબિલિટી’ના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ યાત્રામાં મંત્રીની સાથે 120થી વધુ ઉત્સાહી ભક્તો અને સાઇકલ પ્રેમીઓ જોડાયા હતા.આ જનજાગૃતિ અભિયાન દરમિયાન અંબાજી જતાં પદયાત્રીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓમાં પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે બાયોડિગ્રેડેબલ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.મંત્રી પ્રવીણ માળીએ પોતે 100 કિલોમીટર સાઇકલ ચલાવીને પર્યાવરણ સુરક્ષા, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને શારીરિક ફિટનેસનો સશક્ત સંદેશ આપ્યો હતો.

અંબાજી પહોંચી પ્રવિણભાઈ તથા અન્ય સાઇકલ યાત્રીઓએ માં અંબાના દર્શન કરી રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ અનોખી પહેલને યાત્રાધામ માર્ગ પર પદયાત્રીઓ અને અંબાજી દર્શનાર્થે આવતા માઇભક્તો દ્વારા વ્યાપક આવકાર મળ્યો હતો.