નવી દિલ્હીઃ દેશની સ્ટાર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડેમાં ચાલી રહેલી વિશ્વ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે રજત પદક જીતી લીધો છે. આ સ્પર્ધાના ઇતિહાસમાં તેમનો આ ત્રીજો પદક છે. કુંજરાણી દેવી (7) અને કરણમ મલ્લેશ્વરી (4) પછી બે કરતાં વધારે વિશ્વ ચેમ્પિયનશિપ પદક જીતનાર તે ત્રીજી ભારતીય વેઇટલિફ્ટર બની ગઈ છે.
ચીનની વેઇટલિફ્ટર સાથે કાંટેની ટક્કર
48 કિલોગ્રામ વર્ગમાં મીરાબાઈ ચાનુએ સ્નેચમાં 84 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલોગ્રામ સહિત કુલ 199 કિલોગ્રામ વજન ઉઠાવીને બીજું સ્થાન મેળવ્યું હતું. તે ઉત્તર કોરિયાની રી સોંગ ગુમથી પાછળ રહી ગઈ અને સુવર્ણ પદક જીતતાં ચૂકી હતી. રી સોંગે કુલ 213 કિલોગ્રામ ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ચીનની થાન્યાથને કાંસ્ય પદક જીત્યો. સ્નેચ રાઉન્ડ બાદ ચીનની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુથી ચાર કિલોગ્રામ આગળ ચાલી રહી હતી, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં મીરાબાઈએ કમાલ કરીને કુલ એક કિલોગ્રામની લીડથી ભારતની ઝોળીમાં રજત પદક મૂકી દીધો છે.
છેલ્લે ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુએ 115 કિલોગ્રામ વજન ક્લીન એન્ડ જર્કમાં ઉઠાવ્યું હતું. ત્યાં પણ તેણે રજત પદક જીત્યો હતો. ત્યાર બાદ છેલ્લા ચાર વર્ષોમાં તેઓ સતત ઇજાઓ અને સર્જરીમાંથી પસાર થઈ છે. જોકે 2022ની વિશ્વ ચેમ્પિયનશિપમાં પણ તેણે રજત પદક જીત્યો હતો. વિશ્વ ચેમ્પિયનશિપના મંચ પર રજત પદક જીત્યા પછી તે સીધી પોતાના કોચ વિજય શર્મા પાસે જઈને તેમનો આભાર માન્યો હતો. પેરિસ ઓલિમ્પિક પછી પહેલી વાર મીરાબાઈ ચાનુએ કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો.
Mirabai Chanu wins silver medal at the World Championship, lifting a total of 199kg (84kg Snatch + 115kg Clean & Jerk). This marks her third medal at the prestigious event. 🥈🇮🇳#MirabaiChanu #Weightlifting #WorldChampionship pic.twitter.com/GM5dEDM6o1
— DD News (@DDNewslive) October 3, 2025
આ પહેલાં મીરાબાઈ ચાનુએ ઓગસ્ટમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેણે માત્ર 193 કિલોગ્રામ (84 કિલોગ્રામ સ્નેચ અને 109 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્ક) ઉઠાવીને જ સુવર્ણ પદક જીત્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ વજન ઓછું ગણાતું હતું, પરંતુ હવે 31 વર્ષીય મીરાબાઈ ચાનુએ કમબેક કરતાં પોતાનો ટોક્યો ઓલિમ્પિકનું જ પ્રદર્શન ફરી કર્યું છએ અને ભારત માટે એક વધુ આંતરરાષ્ટ્રીય પદક જીત્યો છે.


