નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર શુક્રવારે થનારી કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેશે. કેન્દ્રિય મંત્રીમંડળ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 (MGNREGA) એટલે કે મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી વિધેયક 2025 કરવાનો પ્રસ્તાવ મંજૂર કરી શકે છે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેબિનેટ બેઠક યોજાશે.
હવે નવા નામથી રોજગાર ગેરંટી યોજનાને નવી ઓળખ મળશે અને તેનો વ્યાપ વધુ મજબૂત બનશે. મનરેગા સરકારની પ્રખ્યાત કલ્યાણકારી યોજનાઓમાંની એક છે, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર ઉપલબ્ધ કરાવવાનો છે.
મનરેગા યોજનાની સંપૂર્ણ જાણકારી
MGNREGA (મનરેગા) ભારત સરકારે 2005માં કાયદા તરીકે પસાર કર્યો હતો અને તે સમયે UPA સરકારે આ કાયદાને અમલમાં મૂક્યો હતો. મનરેગાનું સત્તાવાર નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005. આ કાયદો 7 સપ્ટેમ્બર 2005એ સંસદમાં પસાર થયો હતો. તેને બીજી ઓક્ટોબર, 2006એ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જે મહાત્મા ગાંધીની જન્મજયંતી હતી. શરૂઆતમાં આ યોજના 200 જિલ્લોમાં અમલમાં મૂકી, ત્યાર બાદ ધીમે-ધીમે દેશમાં વિસ્તૃત કરવામાં આવી હતી.
મનરેગા એક ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના છે, જેના અંતર્ગત દરેક ગ્રામીણ પરિવારમાં રહેલા વયસ્ક સભ્યોને એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની મજૂરી આધારિત રોજગાર આપવામાં આવે છે.આ રોજગાર બિનકુશળ મજૂરી (જેમ કે રસ્તા, તળાવ, કેનાલ બનાવવી) તરીકે આપવામાં આવે છે અને કામદારોને નિયત ન્યૂનતમ વેતન ચૂકવવામાં આવે છે. જો 15 દિવસની અંદર કામ ન મળે તો અરજદારને બેરોજગારી ભથ્થું મળે છે.
કોરોના સમયમાં મદદગાર સાબિત થઈ મનરેગા
Covid-19 મહામારી દરમિયાન મનરેગાએ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તે સમયે કામની માગ અચાનક વધી ગઈ હતી અને આ યોજના પોતાના ઘરે પરત આવેલા મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોને રોજગાર આપવામાં ખૂબ મદદરૂપ બની હતી.




