એરપોર્ટ પરથી રૂ. 12 કરોડના ડ્રગ્સની સાથે મોડલની ધરપકડ

મુંબઈ: બેન્ગકોકથી આવેલી એક ફ્લાઇટમાં 28 વર્ષની એક ગ્લેમરસ મોડેલ બહાર આવી. તેની હિલચાલ શંકાસ્પદ લાગતા કસ્ટમ વિભાગે તેની તથા તેના માલસામાનની તપાસ કરતાં બેગમાંથી વેક્યુમ-સીલ કરાયેલા 12 પ્લાસ્ટિકનાં પેકેટ મળી આવ્યાં હતાં. તપાસમાં જાણવા મળ્યું કે તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.

મોડેલ પાસેથી 11.82 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું

મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગે ગ્લેમરની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ કર્યો છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને બેન્ગકોકથી પરત આવેલી મોડેલ હર્ષા સનીની ધરપકડ કરી છે. તેની પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળું હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Weed) જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 11.82 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

‘મિસિસ કેરળ’ બ્યુટી પેજન્ટની સ્પર્ધક રહી ચૂકી હતી

ચોંકાવનારી બાબત એ છે કે જે મહિલાની પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, તે વર્ષ 2025માં યોજાયેલા મિસિસ કેરળબ્યુટી પેજન્ટમાં સ્પર્ધક રહી ચૂકી છે. તે એક કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે પણ કાર્યરત હતી. હવે તેની સામે નશીલા પદાર્થોની તસ્કરીનો કેસ નોંધાતાં તેની એરપોર્ટ પરથી જ ધરપકડ કરવામાં આવી છે.

ટ્રોલી બેગમાં 11 કિલોથી વધુ ગાંજો છુપાવ્યો હતો

કસ્ટમ અધિકારીઓના જણાવ્યાનુસાર હર્ષા સની 10 અને 11 જૂનની મધરાતે બેન્ગકોકથી એર ઇન્ડિયાની ફ્લાઇટ TG-351 મારફતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી. તેની હિલચાલ શંકાસ્પદ લાગતાં અધિકારીઓએ તેના ટ્રોલી બેગની તપાસ કરી.

NDPS એક્ટ હેઠળ કેસ નોંધાયો

કસ્ટમ વિભાગે હર્ષા સની વિરુદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) Act હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડી (Judicial Custody)માં મોકલી આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 11.82 કરોડ રૂપિયા

મુંબઈ કસ્ટમ્સના એક અધિકારીએ જણાવ્યું કે બેન્કોકથી આવેલી આ મહિલા મુસાફર પર શંકા જતાં તેના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તપાસમાં 12 વેક્યુમ-સીલ્ડ પારદર્શક પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યાં, જેમાં કુલ 11.824 કિલોગ્રામ હાઇડ્રોપોનિક વીડ (ગાંજો) હતો. તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 11 કરોડ 82 લાખ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું.