અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર ચોમાસું જોર પકડતું જોવા મળી રહ્યું છે. હાલમાં એકસાથે ત્રણ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હોવાથી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
નવસારી અને વલસાડ માટે ઓરેન્જ અલર્ટ, સુરત-તાપીમાં યલો અલર્ટ
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત અને તાપી જિલ્લામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને શહેરી વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્રને પણ જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
અરબી સમુદ્રમાં ભારે પવન અને ઊંચા મોજાં ઉછળવાની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ બિનજરૂરી રીતે દરિયાકિનારે ન જવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેતી માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે.




