ચોમાસુ સત્ર: લોકસભામાં માત્ર 16 ટકા કામકાજ

નવી દિલ્હીઃ ચોમાસુ સત્રના ત્રણ અઠવાડિયા પૂર્ણ થયા બાદ (10 ઓગસ્ટ સુધી) લોકસભા નિર્ધારિત સમયના માત્ર 16 ટકા અને રાજ્યસભા 31 ટકા સમય જ કામ કરી શકી છે. પી. આર. એસ. લેજિસ્લેટિવ રિસર્ચના આંકડા પરથી આ માહિતી સામે આવી છે. જોકે આવું પહેલી વાર નથી બન્યું. 2009થી સંસદના સત્રોના આંકડા દર્શાવે છે કે અગાઉ પણ એવા પ્રસંગો આવ્યા છે, જ્યારે લોકસભા અથવા રાજ્યસભાનું કામકાજ આનાથી પણ વધુ સમય સુધી ખોરવાયું હતું.

યુપીએ સરકારનો કાર્યકાળ

વર્ષ 2010માં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બીજી વખત સત્તામાં હતી અને ભાજપ મુખ્ય વિપક્ષી પાર્ટી હતી. તે સમયે શિયાળુ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું. પી. આર. એસ. લેજિસ્લેટિવ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ લોકસભા પોતાના નિર્ધારિત સમયના માત્ર પાંચ ટકા અને રાજ્યસભા માત્ર બે ટકા સમય જ કામ કરી શકી હતી. 2જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચેના ગતિરોધને કારણે આ સત્ર લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું. વિપક્ષે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા તપાસની માગ કરી હતી, જ્યારે સરકારે કહ્યું હતું કે જાહેર હિસાબ સમિતિ (PAC) પણ આ કામ કરી શકે છે.

2014ની લોકસભા ચૂંટણી પહેલાં 2013ના શિયાળુ સત્રમાં પણ સંસદનું કામકાજ ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા બાદ મજબૂત બનેલા ભાજપે ટેલિકોમ લાઇસન્સ ફાળવણી અંગે JPCના ડ્રાફ્ટ રિપોર્ટને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

તેલંગાણા રાજ્યની રચનાને લઈને આંધ્ર પ્રદેશના સાંસદો દ્વારા કરવામાં આવેલા વિરોધ અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર રમખાણો બાદ વિસ્થાપિત થયેલા લોકોની સ્થિતિને લઈને થયેલા દેખાવોને કારણે સત્રનું કામકાજ વધુ ખોરવાયું હતું. આ સત્રમાં લોકસભા પોતાના નિર્ધારિત સમયના માત્ર છ ટકા અને રાજ્યસભા 19 ટકા સમય જ કામ કરી શકી હતી.

2014માં લોકસભા ચૂંટણી પહેલાં યોજાયેલું વચગાળાનું બજેટ સત્ર પણ લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું, કારણ કે ચૂંટણી પ્રચાર પહેલાં યુપીએ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો તેજ બન્યાં હતાં. આ સત્રમાં લોકસભા પોતાના નિર્ધારિત સમયના 21 ટકા અને રાજ્યસભા 27 ટકા સમય જ કામ કરી શકી હતી.