ચોમાસુ સત્રઃ SIR મુદ્દે વિપક્ષનો વિરોધ માર્ચ

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે, પરંતુ હંગામાને કારણે સભાની કામગીરી યોગ્ય રીતે ચાલવાની શક્યતા ઓછી છે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના અનેક ઘટક દળોના સાંસદોએ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ વિસ્તૃત રિવીઝન (SIR) સામે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઇ સહિતના અન્ય સાંસદોએ ભાગ લીધો હતો.

વિપક્ષ બિહારમાં મતદાર યાદીનું વિશિષ્ટ ગહન સુધારણા એટલે કે SIR મુદ્દે સતત હુમલો કરી રહ્યું છે અને આ મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યું છે. બિહારમાં થોડા મહિના પછી યોજાનારા વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા મામલે રાજકીય ઘમસાણ મચ્યું છે. વિપક્ષનો આક્ષેપ છે કે ચૂંટણી પંચનો આ સુધારણ અભિયાન દલિત, આદિવાસી અને ગરીબ સમુદાયના મતદારોને મતાધિકારથી વંચિત કરવાનું ષડયંત્ર છે.

વિપક્ષી સાંસદોએ સંસદના મકર દ્વાર પાસે ત્રીજા દિવસે પણ વિરોધ કર્યો હતો, જેમાં કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘પ્રજાસત્તાક જોખમમાં’ લખેલું પોસ્ટર લહેરાવતું સરકાર પર આક્ષેપ કર્યો હતો. વિપક્ષ માત્ર બિહાર મતદાર યાદી મુદ્દે નહીં, પરંતુ પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર મુદ્દે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ તેવી માગ કરી રહ્યો છે.

ચૂંટણી પંચે પ્રક્રિયાને પારદર્શી ગણાવી
સરકારે ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સંમતિ આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 28 જુલાઈએ લોકસભામાં આ મુદ્દે ચર્ચા થવાની છે. જોકે બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે સરકાર અને ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ અભિયાન ગેરકાયદે અને નકલી મતદારોને દૂર કરવા માટે જરૂરી છે. ચૂંટણી પંચે પ્રક્રિયાને પારદર્શી ગણાવી છે.