રાજકોટ: મોરબીથી આશરે 25 કિ.મી. દૂર આવેલા વીરપરડા ગામમાં કૂવાના પાણી હાલક ડોલક થઈ રહ્યા છે. જેની જાણ આસપાસમાં થતાં, સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ સર્જ્યુ છે. છેલ્લા 5 દિવસથી આવું કુદરતી રીતે થતા ભૂકંપના સંકેત હોવા સહિતની અનેક અફવાઓ ઉડી. અંતે મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તપાસના આદેશ આપ્યા હતા.
કલેક્ટરના આદેશ બાદ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈને ચકાસણી કરીને એવી સ્પષ્ટતા કરી છે કે ભૂકંપના સંકેત સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. ભારે વરસાદથી કુવા નીચે અંડર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થઈ રહ્યું છે. બે પથ્થર વચ્ચે હવાની મૂવમેન્ટ થાય છે એટલે ઉપર કૂવાનું પાણી હલે છે. ખતરાની કોઈ ચેતવણી નથી.
નિષ્ણાંતોએ ગાંધીનગર સિસ્મિક સેન્ટરને પણ આ ઘટના અંગે જાણ કરી છે. સેન્ટરના અધિકારીઓએ પણ મોરબી આસપાસ છેલ્લા એક સપ્તાહમાં કોઈ સિસ્મિક એક્ટિવિટી નોંધાઈ નથી. કલેક્ટરે પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
છેલ્લા પાંચ દિવસથી વીરપરડાના આ કૂવાને જોવા લોકો ઉમટી રહ્યા છે. રોડ નજીક આ કૂવાનું પાણી અને તેના પેટાળમાં હાઈડ્રોલોજિસ્ટ વિસ્તૃત તપાસ કરીને આગામી દિવસોમાં કલેક્ટરને રિપોર્ટ કરશે તેમ જાણવા મળ્યું છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)




