બેંગલુરુ: કર્ણાટક ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા શુક્રવારે બેંગલુરુની 26 થ્રી-સ્ટાર અને ફાઇવ-સ્ટાર હોટેલોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. લક્ઝરી હોટેલોને નિશાન બનાવી હાથ ધરાયેલા આ મોટા ફૂડ સેફ્ટી અભિયાનમાં અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. તપાસ દરમિયાન એક્સપાયર્ડ ખાદ્ય સામગ્રી, ફૂગ લાગેલી શાકભાજી, અસ્વચ્છ રસોડાં અને માંસનાં ઉત્પાદનોના અયોગ્ય સંગ્રહ જેવી ખામીઓ મળી આવી હતી.
આ વિશેષ તપાસ આરોગ્ય મંત્રી યુટી ખાદરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. બેંગલુરુમાં ફૂડ સેફ્ટી અધિકારીઓની 30 ટીમોએ તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીનો હેતુ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (Food Safety and Standards Act, 2006) હેઠળના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે ચકાસવાનો હતો. અધિકારીઓએ ચા પાઉડર, ચિકન, મટન, માછલી, ખાદ્ય તેલ, મરચાં પાઉડર, હળદર પાઉડર, ટોમેટો સોસ, લીંબુનો રસ, ચીઝ, પાપડ, કાજુ, આદુ, મરી પાવડર, મસાલા પાવડર અને દૂધ સહિત કુલ 35 ખાદ્ય નમૂના એકત્ર કર્યા છે. આ તમામ નમૂનાઓને તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લંઘન સાબિત થશે તો સંબંધિત હોટેલ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ દરમિયાન અનેક હોટેલોના રસોડાં અને ખાદ્ય સામગ્રીના સ્ટોરેજમાં અસ્વચ્છતા જોવા મળી હતી. કેટલીક જગ્યાએ એક્સપાયર્ડ દૂધની બનાવટો, બેકરી પ્રોડક્ટ્સ, ચિકન, માછલી, મીટ અને શાકભાજીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કેટલીક શાકભાજીમાં ફૂગ પણ જોવા મળી હતી. સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટર્સને નોટિસ આપવામાં આવી છે. તપાસ દરમિયાન મોટી માત્રામાં અસુરક્ષિત ગણાતી ખાદ્ય સામગ્રી જપ્ત કરીને નષ્ટ કરવામાં આવી હતી.
ಬೆಂಗಳೂರಿನ 5 ಸ್ಟಾರ್ ಹೋಟೆಲ್ಗಳ ಮೇಲೆ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ ಆಹಾರ ನೈರ್ಮಲ್ಯ ಹಾಗೂ ಗುಣಮಟ್ಟ ಪರಿಶೀಲನೆಗೆ ದಾಳಿ ! https://t.co/bTZUldmRLM
— Karnataka Health Department (@DHFWKA) August 7, 2026
કઈ હોટલમાંથી કેટલી ખાદ્ય સામગ્રી જપ્ત થઈ?
- લલિત અશોક (એનેક્સ સાઉથ): 76 કિલો મીટ, 200 કિલો શાકભાજી અને 32 લિટર એક્સપાયર્ડ દૂધ જપ્ત.
- શાંગરી-લા: 15 કિલો મીટ જપ્ત.
- ફોર સીઝન્સ હોટલ: 19 કિલો મીટ જપ્ત.
- વિવાંતા વ્હાઇટફિલ્ડ: 3 કિલો એક્સપાયર્ડ બેકરી પ્રોડક્ટ્સ જપ્ત કરીને નષ્ટ કરાયા.
- રેડિસન બ્લુ: સૌથી મોટી જપ્તીઓમાંની એક, જેમાં કુલ 105 કિલો એક્સપાયર્ડ ખાદ્ય સામગ્રી મળી. તેમાં 50 કિલો ચિકન, 25 કિલો મીટ, 23 કિલો માછલી અને 7 કિલો શાકભાજીનો સમાવેશ થાય છે.
- તાજ યશવંતપુર: 72 કિલો મીટ અને માછલી જપ્ત કરવામાં આવી.




