નવી દિલ્હી: દેશભરના વાહનચાલકો માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે PUC (Pollution Under Control) સર્ટિફિકેટની માન્યતાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ગુરુવારે મંત્રાલય દ્વારા PUC રિન્યુઅલ શેડ્યૂલમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે દરેક વાહન માટે એકસમાન સમયમર્યાદા નહીં રહે, પરંતુ વાહનના ઉત્સર્જન ધોરણ (Emission Standard), વાહનની ઉંમર અને તેના ઉપયોગ (ખાનગી કે કોમર્શિયલ)ના આધારે PUC સર્ટિફિકેટની મુદત નક્કી કરવામાં આવશે.
સરકારના આ નવા માળખા હેઠળ નવા BS-VI વાહનો ધરાવતા માલિકોને વારંવાર PUC કઢાવવાની ઝંઝટમાંથી મોટી રાહત આપવામાં આવી છે, જ્યારે જૂના એન્જિન અને જૂના ધોરણવાળા વાહનોમાંથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ટૂંકા સમયગાળામાં રિન્યુઅલ ફરજિયાત રાખવામાં આવ્યું છે.
વાહનની કેટેગરી મુજબ PUC સર્ટિફિકેટની નવી સમયમર્યાદા
-
જૂના ઉત્સર્જન ધોરણવાળા વાહનો (BS-I થી BS-IV)
-
BS-I, BS-II અને BS-III વાહનો: આ કેટેગરીના વાહનો માટે PUC સર્ટિફિકેટની માન્યતા માત્ર ૩ મહિનાની રહેશે.
-
BS-IV વાહનો: આ વાહનો માટે PUC સર્ટિફિકેટ ૬ મહિના સુધી માન્ય ગણાશે.
-
-
BS-VI ખાનગી (Private) વાહનો માટે
-
૬ વર્ષ સુધીના નવા વાહનો: જો તમારું BS-VI ખાનગી વાહન ૬ વર્ષથી ઓછું જૂનું છે, તો તમને એકસાથે ૩ વર્ષની માન્યતા ધરાવતું PUC સર્ટિફિકેટ મળશે.
-
૬ થી ૧૦ વર્ષ સુધીના વાહનો: ૬ વર્ષથી વધુ અને ૧૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતા વાહનોએ દર ૧ વર્ષે PUC રિન્યુ કરાવવું પડશે.
-
૧૦ વર્ષથી વધુ જૂના વાહનો: ૧૦ વર્ષથી વધુ જૂના થઈ ગયેલા BS-VI ખાનગી વાહનો માટે દર ૬ મહિને PUC તપાસ ફરજિયાત રહેશે.
-
-
BS-VI કોમર્શિયલ (Transport) વાહનો માટે
-
૬ વર્ષ સુધીના કોમર્શિયલ વાહનો: આ વાહનોને ૨ વર્ષની માન્યતા ધરાવતું PUC સર્ટિફિકેટ આપવામાં આવશે.
-
૬ થી ૧૦ વર્ષ સુધીના કોમર્શિયલ વાહનો: આ કેટેગરીમાં દર ૧ વર્ષે રિન્યુઅલ કરાવવાનું રહેશે.
-
૧૦ વર્ષથી વધુ જૂના કોમર્શિયલ વાહનો: આ વાહનો માટે દર ૬ મહિને PUC રિન્યુ કરાવવું અનિવાર્ય રહેશે.
-
પરિવહન મંત્રાલયના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નવા અને ઓછું પ્રદૂષણ ફેલાવતા વાહનચાલકોની સુવિધા વધારવાનો તેમજ જૂના વાહનોની નિયમિત ચકાસણી સુનિશ્ચિત કરીને પર્યાવરણ અને હવાની ગુણવત્તા જાળવી રાખવાનો છે.






