મુંબઈઃ દેશના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૈકીના એક મીશોએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સાથે મળીને ‘પ્રોજેક્ટ શિખર’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME) ક્ષેત્રની સફળ ઈ-કોમર્સ કંપનીઓને BSEના સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (SME) પ્લેટફોર્મ પર લિસ્ટિંગ માટે તૈયાર કરી તેમને મૂડીબજારમાંથી વિકાસ માટેનું ભંડોળ મેળવવામાં મદદ કરવાનો છે.
આ બંને સંસ્થાઓ વચ્ચે આ માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) કરવામાં આવ્યો છે. આ સહયોગ હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક વિકાસ પામેલા MSMEને જાહેર કંપની બનવા માટે જરૂરી માળખાગત માર્ગદર્શન, નિયમનકારી પાલન, કોર્પોરેટ ગવર્નન્સ અને ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)ની તૈયારીના વિવિધ તબક્કાઓમાં સહાય પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ સુંદરરમણ રામમૂર્તિએ જણાવ્યું હતું કે BSEનું SME પ્લેટફોર્મ દેશની વૃદ્ધિશીલ અને રોજગારી સર્જતી કંપનીઓને મૂડીબજાર સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું છે. આ ભાગીદારી દ્વારા હવે ડિજિટલ ઉદ્યોગસાહસિકો માટે પણ જાહેર મૂડી મેળવવાનો માર્ગ વધુ સરળ બનશે.
મીશોના કોર્પોરેટ અફેર્સ વિભાગનાં વડાં લોપામુદ્રા રાવે જણાવ્યું હતું કે મીશોના વેચાણકર્તા નેટવર્કમાં અનેક ઉદ્યોગસાહસિક કંપનીઓનો સમાવેશ થાય છે, જેમણે આ પ્લેટફોર્મ પર ઝડપી વૃદ્ધિ હાંસલ કરી છે. સફળ ઈ-કોમર્સ બ્રાન્ડમાંથી રોકાણકારો માટે તૈયાર કંપની બનવાની પ્રક્રિયા જટિલ હોય છે, જ્યારે ‘પ્રોજેક્ટ શિખર’ આ અવરોધોને દૂર કરવામાં મદદરૂપ બનશે. તેમણે ઉમેર્યું હતું કે આ પહેલ માત્ર જાહેર ભંડોળ એકત્ર કરવામાં જ નહીં, પરંતુ પારદર્શક અને નિયમોનું પાલન કરતી કંપનીઓની મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં પણ મદદ કરશે. આ પહેલથી MSME ક્ષેત્રની વધુ કંપનીઓને મૂડીબજાર સાથે જોડાવાની તક મળશે અને દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.






