ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર પુસ્તક પ્રકાશન વૈવિધ્યસભર કાર્યક્રમોના આયોજન દ્વારા સાહિત્યના સંવર્ધનનું પરિણામલક્ષી કાર્ય કરે છે. તાજેતરમાં જ વિવિધ જિલ્લાઓમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત માત્ર એક અઠવાડિયામાં 575 (પાંચસો પંચોતેર)થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઉપરાંત ગુજરાતીઓની બહોળી વસતી ધરાવતા મુંબઈમાં પણ અકાદમી સમયાંતરે કાર્યક્રમો યોજે છે.

આ વર્ષે `મુંબઈ સાહિત્યોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમનો ગત વર્ષે શુભારંભ થયો હતો. ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના સંયુક્ત ઉપક્રમે આગામી 6થી 8 માર્ચ સુધી એસ.પી. જૈન સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (વેસ્ટ), મુંબઈ ખાતે ત્રિદિવસીય સાહિત્યોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં કુલ છ સત્રમાં 35થી વધુ સર્જક, વક્તા અને કલાકાર સહભાગી થશે.
કાર્યક્રમના પહેલા દિવસે એટલે કે 6 માર્ચ, શુક્રવારે સાંજે 6.30 વાગે ઉદ્ઘાટન સત્રમાં નાવીન્યસભર પ્રયોગો દ્વારા અકાદમીની પ્રવૃત્તિને એક નવી ઊંચાઈ આપનાર અકાદમીના અધ્યક્ષ કવિ-લેખક ડૉ. ભાગ્યેશ જ્હા સર્જનાત્મક સાહિત્ય વિશે વક્તવ્ય આપશે.અકાદમીની કાર્યપ્રણાલીને સુદૃઢ કરી આયોજનને સક્ષમ બનાવનાર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ પ્રાસંગિક ઉદબોધનમાં વિવિધ પ્રવૃત્તિનું આકલન કરાવશે. ત્યાર બાદ કવિ સંમેલન `કવિતાનો કેકારવ’ યોજાશે, જેમાં મુકેશ જોશીના સંચાલનમાં જવાહર બક્ષી, હેમેન શાહ, ગૌરાંગ ઠાકર, ઈન્તેખાબ અનસારી અને ઉત્સવ સંયોજક હિતેન આનંદપરા કાવ્યપઠન કરશે.
બીજા દિવસે એટલે કે 7 માર્ચ, શનિવારે બપોરે 3:00 થી 4: 00 દરમિયાન બીજા સત્રમાં સ્નેહલ મુઝુમદારની પરિકલ્પના અને સ્વરાંકનમાં, દીપક મહેતાના માર્ગદર્શનમાં `ગીર્વાણગિરાગરિમા’ શીર્ષક હેઠળ કવિ કાલિદાસ રચિત `શાકુંતલ’ના અંશોની સંસ્કૃત, ગુજરાતી અને ઉર્દૂમાં તથા સંસ્કૃત ગઝલની સાંગીતિક પ્રસ્તુતિ રેખા ત્રિવેદી, શ્રદ્ધા શ્રીધરાણી અને સોમૈયા વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે.
કાર્યક્રમના ત્રીજા દિવસે સાંજે 4.00 થી 5.00 દરમિયાન આયોજિત પરિસંવાદમાં `સાહિત્ય કઈ દિશામાં’ વિશે ડૉ. દર્શના ઓઝા, `એઆઈ અને સાહિત્ય’ વિશે ડૉ. ખેવના દેસાઈ અને `કવિતાની ગતિવિધિ’ વિશે ડૉ. અભય દોશી વક્તવ્ય આપશે.ચોથા સત્રમાં સાંજે5.00થી 6.00 દરમિયાન `કથાકથન’ શીર્ષક હેઠળ સંજય પંડ્યાના સંચાલનનાં ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત વાર્તાનાં પુસ્તકોમાંથી ચૂંટેલી વાર્તાઓનું વાચિકમ્ પ્રતાપ સચદેવ, મેહુલ બુચ અને સેજલ પોન્દા દ્વારા કરવામાં આવશે.




