મુંબઈના કાંદિવલીમાં 92 વર્ષથી તબીબી સેવા ક્ષેત્રે કાર્યરત કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલ (કેએચએમ)માં 9 સપ્ટેમ્બરે ઓન્કોલોજી અને કાર્ડિઓલોજી વોર્ડનું ઉદ્ઘાટન કરાયું હતું.જેમાં નિઓન ફાર્મા અને નિઓન ફાઉન્ડેશનના સ્થાપક ઉત્તમભાઈ જૈનનો આર્થિક સહયોગ રહ્યો.
નિઓન ફાર્મા અને નિઓન ફાઉન્ડેશનના સ્થાપક ઉત્તમભાઈ જૈનના આર્થિક સહકારથી કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલને ઓન્કોલોજી અને કાર્ડિઓલોજી વોર્ડની સુવિધા મળી. આ પ્રસંગે ઉપસ્થિત ઉત્તમભાઇ જૈને જણાવ્યું કે ‘આ નાણા મારા નથી, મારા ભાગ્યમાં આવ્યા અને મેં તેને સત્કાર્ય માટે ધર્યા. આવા સમાજલક્ષી કાર્ય કરવામાં મને જે આનંદ મળે છે એ આનંદ માટે હું આ કરું છું.’ ઉત્તમ જૈનના નિઓન ફાઉન્ડેશન મારફત આ હોસ્પિટલને સહકાર આપવા બદલ બોરીવલીના જાણીતા ડોકટર બીપીન દોશી નિમિત્ત બન્યા હતા.
હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. નીતા સીંગીએ કેએચએમની સુવિધાઓ અને સાતત્યપૂર્ણ પ્રગતિ વિશે વિગતો આપી તમામ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. હોસ્પિટલના આ ઓન્કોલોજી અને કાર્ડિઓલોજી વોર્ડમાં કેન્સર અને હાર્ટના દર્દીઓ માટે હાલ 18 બેડની વ્યવસ્થા છે. આ વોર્ડ ટુંક સમયમાં કાર્યરત થશે. ટુંકસમયમાં આ હોસ્પિટલમાં કેથલેબ પણ શરૂ થશે, જેમાં રાહતના દરે હાર્ટ પેશન્ટશને સારવાર આપવાનું સંસ્થાનું લક્ષ્ય છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે કેએચએમના વાઈસ પ્રેસિડન્ટ ભરત શાહે દાતા ઉત્તમ જૈન અને તેમના ધર્મપત્ની ચંચલબેન જૈનનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ અવસરે કેએચએમના મેનેજિંગ ટ્રસ્ટી વિનોદ વોરા, માનદ સચિવ બીજલ દત્તાણી, ટ્રેઝરર અનંતરાય મહેતા, અન્ય સભ્યો-સહયોગીઓ મહેશ શાહ, મહેશ ચંદારાણા, ભરત દત્તાણી, ડૉ. ગિરીશ ત્રિવેદી, કેએચએમના ભુતપુર્વ માનદ સચિવ પંકજ શાહ, સભ્ય રાજ કાવા, વગેરે સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. જીતો (જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) સંસ્થા વતી તેના અધ્યક્ષ બી.સી જૈન અને અન્ય સભ્યોએ પણ હાજર રહી સમાજ સેવાની આ પ્રકારની પ્રવૃતિઓ પ્રત્યે આદરભાવ વ્યકત કર્યો હતો.
ઉત્તમ જૈન પરિવારના આથિર્ક સહયોગ સાથે ટુંકસમયમાં કાંદિવલીના લિન્ક રોડ પર એક ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ થઈ રહ્યું છે, જે માટે મુંબઈ મહાનગર પાલિકાએ જગ્યા ફાળવી છે, જયારે કે 15 ડાયાલિસિસ મશીન્સ ઉત્તમ જૈન તરફથી પુરા પાડવામાં આવશે. આ સેન્ટરમાં કોઈપણ ચાર્જ વિના ડાયાલિસિસની વ્ચવસ્થા રહેશે.
