આર્યન ખાન જેલમાં રામ-સીતાનાં પુસ્તકો વાંચે છે

મુંબઈઃ ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ પાર્ટીના કેસના સંબંધમાં ગઈ 3 ઓક્ટોબરથી આર્થર રોડ સ્થિત સેન્ટ્રલ જેલની કસ્ટડીમાં દિવસો કાઢી રહેલો આર્યન ખાન ધાર્મિક પુસ્તકો વાંચવા લાગ્યો છે, એમ જેલના વહીવટીતંત્રએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે.

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો 23 વર્ષીય પુત્ર આર્યન ખાન એની જામીન અરજી બે વાર નકારી દેવાયા બાદ હજી જેલમાં જ છે. જેલના સત્તાવાળાઓએ એને સૂચન કર્યું હતું કે એ જેલની લાઈબ્રેરીમાંથી પુસ્તકો વાંચે. ત્યારબાદ આર્યનને પુસ્તકો વાંચવા આપવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી એ ભગવાન રામ પર લખાયેલું પુસ્તક વાંચી રહ્યો છે, એમ જેલના વહીવટીતંત્રના એક નિવેદન પરથી જાણવા મળ્યું છે.

મુંબઈની સ્પેશિયલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ (એનડીપીએ) કોર્ટે આર્યન તથા અન્ય આરોપીઓની અદાલતી કસ્ટડીની મુદતને 30 જૂન સુધી લંબાવી છે. આર્યને મુંબઈ હાઈકોર્ટમાં જામીન અરજી નોંધાવી છે જેની પર 26 ઓક્ટોબરે સુનાવણી થવાની છે.