મુંબઈ-અમદાવાદ હાઈવેનું ઈન્સ્પેક્શન કરશે પાલઘર પોલીસ

મુંબઈઃ ગઈ 4 સપ્ટેમ્બરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર જિલ્લાના ચારોટી નજીકના એક સ્થળે એક કાર અકસ્માતમાં ટોચના ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના નિપજેલા મરણે ખળભળાટ મચાવી દીધો છે. હાઈવે પરના એ સ્થળ તથા આસપાસના જોખમી સ્પોટ ખાતે વધુ કોઈ અકસ્માત થતા અટકાવવા માટે પાલઘર જિલ્લા પોલીસ તેના અધિકારક્ષેત્રમાં આવતા હાઈવેનું ઈન્સ્પેક્શન કરશે અને તાત્કાલિક અમલમાં મૂકી શકાય એવા ઉકેલો લાવશે.

મુંબઈ-અમદાવાદ હાઈવેનો 78 કિલોમીટરનો પટ્ટો પાલઘર જિલ્લામાંથી પસાર થાય છે. તેનું નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, પાલઘર જિલ્લા કલેક્ટર, રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) પોલીસ અને જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ આવતીકાલે સાથે મળીને ઈન્સ્પેક્શન કરશે. ત્યારબાદ સંબંધિત સત્તાવાળાઓને આ પટ્ટા પર વધુ અકસ્માતો થતા રોકવા માટેના સૂચનો આપશે અને કયાં પગલાં ભરવા જોઈએ તે વિશે ચર્ચા કરશે, એમ પાલઘરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ બાલાસાહેબ પાટીલે જણાવ્યું છે.