‘શું માનવી અને પશુ એક સમુદાયના થઈ ગયા છે?’ ભાષાવિદ્દ બાબુ સુથારનું વ્યાખ્યાન

મુંબઈઃ છેલ્લા ત્રણેક દાયકાથી ફિલસૂફી અને જ્ઞાનની બીજી શાખાઓમાં animal turn (એનિમલ ટર્ન) આવ્યો છે. આ turn (ટર્ન)ના ભાગરૂપે વિદ્વાનો હવે માણસ અને પશુઓને એકબીજાની સામે મૂકીને જોવાને બદલે એમને એક જ સમુદાયના બે સભ્યો તરીકે જોઈ રહ્યા છે. બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે હવે વિદ્વાનો “માણસ’’ તથા “પશુ’’ને સામસામે મૂકવાને બદલે, બંનેને એક જ હરોળમાં મૂકી રહ્યા છે. હવે તેઓ “માણસ’’ અને “પશુ’’ને બદલે “માનવ પ્રાણી’’ અને “માનવેતર પ્રાણી’’ની વાત કરી રહ્યા છે. આના એક ભાગરૂપે ઘણા વિદ્વાનો ઈસપ રહિત અનેક સર્જકોની પશુકથાઓને નવા દૃષ્ટિકોણથી વાંચી રહ્યા છે અને એના ઉપક્રમે ઘણા બધા નવા પ્રશ્નો ઊભા થયા છે. એમાંનો એક પ્રશ્ન છેઃ મુક્ત અર્થતંત્ર અને ડિજિટલ ટેકનોલોજીના જમાનામાં પશુકથાઓમાં આવતા માનવેતર પ્રાણીઓ પાસેથી આપણે શું શીખી શકીએ? આ પહેલાં પણ આપણે પશુકથાઓનું વિશ્લેષણ કર્યું છે પણ એ વિશ્લેષણમાં આપણે મોટે ભાગે જે તે પશુકથાઓના બોધ પર અથવા તો માણસે એ પશુઓ પર માનવ ભાવનું કેવું આરોપણ કર્યું છે એના પર ભાર મૂક્યો છે. હવે એ અભિગમ બદલાઈ ગયો છે.

આ વિષયને કેન્દ્રમાં રાખી ‘સંવિત્તિ’ અને ગુજરાતી ભાષા ભવન તરફથી સુવિખ્યાત ભાષાવિદ્ બાબુ સુથારનું એક વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. જેમાં વકતા બાબુ સુથાર ઈસપની કેટલીક પશુકથાઓ લઈ, એનું પુનઃ વાચન કરી, એ પશુકથાઓમાં આવતા માનવેતર પ્રાણીઓ પાસેથી આપણે શું શીખી શકીએ એની વાત કરશે.

કાર્યક્રમનું સ્થળઃ જયંતિલાલ પટેલ લૉ કોલેજ, બીજા માળે, કાંદિવલી રીક્રીએશન કલબ અને મથુરાદાસ રોડની નજીક, ફડિયા રોડ, કાંદીવલી-વેસ્ટ, મુંબઈ.

તા. ૪ ફેબ્રુઆરી, શનિવાર
સમય: સાંજે ૫.૩૦

બાબુભાઈ સુથાર વિશે…

બાબુ ભાઈ સુથાર માસ્ટર ઓફ લિબરલ આર્ટસ (સિનેમા અને મિડીયા સ્ટડીઝ) છે, લિન્ગિસ્ટિકસમાં ડોકટરેટ (પીએચડી) છે. આ બંને ડિગ્રી તેમણે યુએસએની પેનસિલ્વાનિયા યુનિવર્સિટીમાંથી મેળવી છે. આ ઉપરાંત તેમણે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા અને સાહિત્યમાં માસ્ટર્સ કર્યુ છે. વિવિધ પ્રતિષ્ઠિત એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા છે. તેમણે ભારત અને યુએસમાં અનેક સેમિનાર્સ અને વર્કશોપ્સ યોજયા છે, લેકચર્સ આપ્યા છે. ટુંકી વાર્તાઓ, કવિતાઓ, અનુવાદ, નોવેલ્સનું સર્જન કર્યુ છે.