મુર્શિદાબાદ હિંસાઃ હાઇકોર્ટના રિપોર્ટમાં TMC પર ગંભીર સવાલો?

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ (સંશોધન) અધિનિયમના વિરોધમાં થયેલી હિંસા અંગે કલકત્તા હાઈકોર્ટની સમિતિએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારને કઠેડામાં ઊભી રાખી છે. આ અહેવાલ બાદ ભાજપ  TMC પર તીખો હુમલો કર્યો છે. ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ TMC અને CM મમતા બેનરજી પર તીવ્ર પ્રહાર કર્યા છે.

અમિત માલવિયાએ X લખ્યું હતું કે મુર્શિદાબાદ હિંસા અંગે હાઈકોર્ટનો અહેવાલ મમતા બેનર્જી સરકાર માટે સૌથી મોટો આંચકો છે. અહેવાલ સ્પષ્ટ કરે છે કે TMCના સ્થાનિક નેતાઓ અને વિધાનસભ્યોએ હિંસાને વકરાવી હતી અને પોલીસને નિષ્ક્રિય રહેવા દીધી હતી. તેમણે મમતા બેનર્જીના તે દાવાનું પણ ખંડન કર્યું છે કે હિંસા પાછળ બહારથી આવેલા લોકોનો હાથ હતો. તેમણે આ હિંસાને “રાજ્ય પ્રાયોજિત હિંસા” ગણાવી અને આરોપ મૂક્યો કે TMC મુર્શિદાબાદમાં હિંદુઓની લોકસંખ્યા બદલી રહેવા પ્રયાસ કરી રહી છે.

તેમણે મમતા બેનર્જીના રાજીનામાની પણ માગ કરતાં કહ્યું હતું કે તેમની નીતિઓ બંગાળના સાંસ્કૃતિક વારસાને ખતરા હેઠળ મૂકે છે.

સ્થાનિક પોલીસ નિષ્ક્રિય

સમિતિના અહેવાલમાં ખુલાસો થયો છે કે 11 એપ્રિલે ધુલિયાનમાં થયેલી હિંસા દરમિયાન સ્થાનિક પોલીસ સંપૂર્ણપણે નિષ્ક્રિય અને હાજર ન હતી. અહેવાલમાં જણાવવાયું છે કે આ હિંસા પાછળ ધુલિયાન નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ મહબૂબ આલમનો પણ હાથ હતો, જેને ભૂલથી કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ હિંસામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં તેમ જ 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હિંદુ સમુદાયના 113 ઘરોને નુકસાન પહોંચાડાયું હતું.