હુબલી: કર્ણાટકના મુસ્લિમ ધાર્મિક નેતાઓ અને ઉલેમાઓએ રાજ્ય મંત્રીમંડળમાં મુસ્લિમ સમુદાયના પાંચ નેતાઓને સામેલ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ સરકાર મુસ્લિમ મતદારોના સમર્થનથી સત્તામાં આવી છે, તેથી સમુદાયને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ માગ બુધવારે સાંજે હુબલીના બેલ્લીનગર સ્થિત હઝરત સૈયદ ફતેહ શાહ વલી દરગાહમાં યોજાયેલી મુસ્લિમ નેતાઓ અને ઉલેમાઓની બેઠકમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ દુઆનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બી. ઝેડ. જમિર અહમદ ખાન, એન. એ. હેરિસ, તનવીર સૈત અને સલીમ અહમદને મંત્રીમંડળમાં સામેલ કરવાની માગ કરવામાં આવી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ યુ. ટી. ખાદરને પહેલેથી જ મહત્વપૂર્ણ બંધારણીય પદ આપવામાં આવ્યું છે, તેથી હવે સમુદાયના અન્ય ચાર વરિષ્ઠ નેતાઓને પણ મંત્રી બનાવવામાં આવવા જોઈએ.સભાને સંબોધતાં એક ધાર્મિક નેતાએ કહ્યું હતું કે જો પાંચ મુસ્લિમ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તેનાં ગંભીર પરિણામો જોવા મળશે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે આવી સ્થિતિ માટે તમે પોતે જવાબદાર હશો.ઉલેમાઓએ સંબંધિત નેતાઓના લાંબા રાજકીય અનુભવ અને કોંગ્રેસ પ્રત્યેની તેમની નિષ્ઠાનો પણ ઉલ્લેખ કર્યો. એક વક્તાએ કહ્યું હતું કે છેલ્લાં 35થી 40 વર્ષથી આ નેતાઓ કોંગ્રેસ પાર્ટી સાથે મજબૂતીથી ઊભા રહ્યા છે. તેમણે સમુદાય અને પાર્ટી બંને માટે કામ કર્યું છે. તેથી અમારી અપેક્ષા છે કે આ પાંચ વરિષ્ઠ નેતાઓને યોગ્ય સન્માન અને જવાબદારી આપવામાં આવે.
પાંચ મંત્રીપદ નહીં મળે તો અમારી તાકાત બતાવીશું
આયોજકોએ જણાવ્યું કે સલીમ અહમદ, જમિર અહમદ ખાન, એન. એ. હેરિસ અને તનવીર સૈત કોંગ્રેસના સૌથી વરિષ્ઠ મુસ્લિમ નેતાઓમાં આવે છે અને તેમને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ બેઠક દરમિયાન કેટલાક વક્તાઓએ કડક વલણ પણ અપનાવ્યું. એક વક્તાએ ચેતવણી આપતાં કહ્યું હતું કે જો પાંચ મંત્રીપદ આપવામાં નહીં આવે તો અમે અમારી તાકાત બતાવીશું. ધાર્મિક નેતાઓએ એ પણ ચેતવણી આપી કે જો તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ કર્ણાટકમાં આંદોલન શરૂ કરશે.






