નવી દિલ્હીઃ નાયરા એનર્જીએ ગુરુવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ બાદ વૈશ્વિક તેલના ભાવોમાં થયેલા તાજેતરના ભારે વધારાનો એક ભાગ ગ્રાહકો પર મૂકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં ઇંધણ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે, કારણ કે 28 ફેબ્રુઆરીથી (જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઇરાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી અને તહેરાન તરફથી આકરી જવાબી કાર્યવાહી થઈ) આંતરરાષ્ટ્રીય તેલના ભાવોમાં લગભગ 50 ટકા વધારો થયો હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. કંપની (જે ભારતના કુલ 1,02,075 પેટ્રોલ પંપમાંથી 6967 પંપ સંચાલિત કરે છે) એ ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાનો એક ભાગ ગ્રાહકો પર મૂકવાનો નિર્ણય લીધો છે કંપનીના પ્રવક્તાએ આ અંગે તરત કોઈ ટિપ્પણી કરી નથી.
બીજી તરફ, રિલાયન્સ અને BP PLCએ પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ભારે નુકસાન સહન કરવા છતાં હજુ સુધી ભાવોમાં વધારો કર્યો નથી. સરકારી માલિકીની ઇંધણ રિટેલ કંપનીઓ, જેઓ બજારમાં લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે, તે કંપનીઓએ પણ હાલ ભાવ સ્થિર રાખ્યા છે.
કંપનીનો આ વધારામાં સ્થાનિક કર (જેમ કે VAT) ની અસરને કારણે અલગ-અલગ રાજ્યોમાં ભાવવધારો અલગ હોઈ શકે છે. કેટલાંક સ્થળોએ પેટ્રોલનો વધારો પ્રતિ લીટર 5.30 રૂપિયા સુધી પહોંચ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં ખાનગી ઇંધણ રિટેલરોને ભાવ વધારો રોકવાથી થતા નુકસાન માટે સરકાર તરફથી કોઈ વળતર મળતું નથી; જ્યારે સરકારી કંપનીઓને “સારા કોર્પોરેટ નાગરિક” તરીકે કાર્ય કરવા માટે સરકારનું સમર્થન મળે છે. વધતા નુકસાનને કારણે હવે રિટેલ ભાવ વધારવા સિવાય તેમના પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.




