દિલ્હીમાં 47 લાખ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી થશે બહાર!

નવી દિલ્હી: દિલ્હીના લગભગ દોઢ કરોડ મતદારોમાંથી એક તૃતીયાંશ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી બહાર થવાની આશંકા છે. રાજધાનીમાં 1.45 કરોડ મતદારોમાંથી 47 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ નહીં થાય. આ સંખ્યા કુલ મતદારોના લગભગ 33 ટકા છે. મોટી સંખ્યામાં મતદારોનાં નામ સામેલ ન થવા વચ્ચે મતદાર યાદીના સઘન પુનરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે.

મતદાર યાદી માટે એન્યુમરેશન ફોર્મ જમા કરવાની સમયમર્યાદા 17 ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ છે. જે મતદારોએ પોતાના ફોર્મ જમા કર્યાં નથી, તેમને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ દાવા અને વાંધા નોંધાવવાની તક મળશે. ડ્રાફ્ટ મતદાર યાદી 24 ઓગસ્ટે જાહેર થશે, જ્યારે અંતિમ મતદાર યાદી 27 ઓક્ટોબરે જાહેર થવાની છે.

દિલ્હીમાં 47 લાખ નામ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયના આંકડા મુજબ રાજધાનીના 1.45 કરોડ મતદારોમાંથી 97.47 લાખ મતદારોએ એન્યુમરેશન ફોર્મ જમા કર્યા છે. આ કુલ મતદારોના 67.18 ટકા છે. વિવિધ મતવિસ્તારોમાં બૂથ લેવલ અધિકારીઓ (BLO) દ્વારા આ ફોર્મના ડિજિટાઇઝેશનનું કામ કરવામાં આવી રહ્યું છે.

દિલ્હીની રોહિણી વિધાનસભા બેઠક પર કુલ 1,50,398 મતદારો છે. અહીં સૌથી વધુ 83.43 ટકા એટલે કે 1,25,478 ફોર્મનું ડિજિટાઇઝેશન થયું છે. જ્યારે 24,920 ફોર્મ જમા થયાં નથી. અન્ય વિસ્તારોમાં શકૂરબસ્તીમાં 81.26 ટકા, રાજૌરી ગાર્ડનમાં 79.14 ટકા, મંગોલપુરીમાં 78.76 ટકા અને ઉત્તમ નગરમાં 77.76 ટકા ફોર્મનું ડિજિટાઇઝેશન થયું છે. તુગલકાબાદમાં માત્ર 52.15 ટકા ફોર્મનું ડિજિટાઇઝેશન થયું છે.

ઓખલા, કસ્તુરબા નગરથી મટિયા મહેલ સુધીની સ્થિતિ

ઓછા ડિજિટાઇઝેશનવાળા વિધાનસભા વિસ્તારોમાં ઓખલામાં 54.67 ટકા, આરકે પુરમમાં 55.54 ટકા, કસ્તુરબા નગરમાં 55.97 ટકા અને કાલકાજીમાં 57.21 ટકા ફોર્મનું ડિજિટાઇઝેશન થયું છે. આ વિસ્તારોમાં પણ પ્રમાણમાં ઓછા ફોર્મ જમા થયાં છે.

લઘુમતી-બહુલ વિધાનસભા વિસ્તારોમાં ચાંદની ચોકમાં માત્ર 61.02 ટકા ફોર્મનું ડિજિટાઇઝેશન થયું છે. જોકે ચૂંટણી અધિકારીઓના જણાવ્યાનુસાર અન્ય લઘુમતી-બહુલ વિસ્તારોમાં સ્થિતિ પ્રમાણમાં સારી રહી છે. CEOના જણાવ્યાનુસાર જે મતદારોનાં નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ નહીં હોય, તેમને CEO કાર્યાલય તરફથી ASDD કેટેગરી હેઠળ આવતી ખામીઓ અંગે નોટિસ આપવામાં આવશે.