વડોદરા: શહેરમાં યોજાયેલા ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૩૫,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાને સરકારના વિકાસ કાર્યો સામે સવાલો ઉઠાવનારા વિપક્ષી નેતાઓ પર તીખો હુમલો બોલાવતા તેમને ફરી એકવાર “રિસાયેલા ફુઆ” તરીકે સંબોધ્યા હતા.
વડાપ્રધાને ૨,૮૦૦ કિલોમીટર લાંબા ડેડિકેટેડ રેલ ફ્રેટ કોરિડોર દેશને સમર્પિત કરતા તેને “૨૧મી સદીની ઐતિહાસિક સિદ્ધિ” ગણાવી હતી. આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા તેમણે ભાજપ અને કોંગ્રેસ સરકારની ‘કાર્યસંસ્કૃતિ’ વચ્ચેનો તફાવત દર્શાવ્યો હતો. PM મોદીએ જણાવ્યું કે, આ ફ્રેટ કોરિડોરની પરિકલ્પના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં કરવામાં આવી હતી, પરંતુ ૨૦૦૪થી ૨૦૧૪ સુધીની UPA સરકારમાં તેના પર કોઈ કામ થયું નહોતું. ૨૦૧૪માં ભાજપ સરકાર આવ્યા બાદ જ આ કામ ઝડપથી આગળ વધ્યું.
કોઈનું નામ લીધા વિના PM મોદીએ કટાક્ષ કરતા કહ્યું, “એક રિસાયેલા ફુઆ રડતા રડતા કહેતા હશે કે, ‘હવે ટ્રક ડ્રાઇવરો શું કરશે?’ પરંતુ હવે એ ફુઆને પણ કામ મળી ગયું છે.” તેમણે ઉમેર્યું કે આ ફ્રેટ કોરિડોરથી આઝાદી પછી પણ રેલ સેવાઓથી વંચિત રહેલા વિસ્તારો સુધી કનેક્ટિવિટી પહોંચી રહી છે અને આ ‘આત્મનિર્ભર ભારત’ની સપ્લાય ચેઇનને મજબૂત કરશે.
UPA સરકાર પર વધુ પ્રહારો કરતા વડાપ્રધાને કહ્યું કે, ૨૦૧૪ પછી ભારતમાં ૫૦,૦૦૦ આધુનિક રેલવે કોચ બનાવવામાં આવ્યા છે. જ્યારે અગાઉની સરકાર ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ શૌચાલય પણ બનાવી શકી નહોતી. ભારત હવે “ચિપ્સથી લઈને શિપ” સુધીનું ઉત્પાદન દેશમાં જ કરીને મેન્યુફેક્ચરિંગના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે.
PM મોદીએ આ “રિસાયેલા ફુઆ” શબ્દપ્રયોગ સૌપ્રથમ વખત શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)ના શતાબ્દી સમારોહમાં કર્યો હતો. જ્યાં તેમણે દેશના આર્થિક વિકાસ અને GDP ગ્રોથ સામે નકારાત્મકતા ફેલાવનારાઓ પર નિશાન સાધ્યું હતું.
આ કટાક્ષ સામે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પલટવાર કરતા કહ્યું હતું કે, “સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે દર વર્ષે નવા નવા વિશેષણો શોધે છે.”




