નર્મદા: રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી થયેલી 16,039 ક્યુસેક પાણીની આવકના પગલે ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે, જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી 135.10 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની વિપુલ આવકના કારણે રાજ્યમાં પીવાના અને પિયત માટેના પાણીની ચિંતા દૂર થઈ છે.
મહત્તમ સપાટીથી ડેમ માત્ર 3.58 મીટર દૂર
સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જે પૂર્ણ થવામાં હવે માત્ર 3.58 મીટર જ બાકી રહ્યા છે. હાલમાં ડેમમાં 7893.91 mcm (મિલિયન ક્યુબિક મીટર) જેટલો પાણીનો જથ્થો (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ છે. ચોમાસાની વર્તમાન સીઝનમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમ તેની પૂર્ણ જળસપાટી તરફ ઝડપથી વધી રહ્યો છે. જળસ્તરમાં થઈ રહેલી આ પ્રગતિથી ખેડૂતો અને સામાન્ય લોકોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.
તંત્ર એલર્ટ મોડ પર: નીચાણવાળા વિસ્તારોમાં નજર
નર્મદા ડેમ 90 ટકા જેટલો ભરાઈ જતાં વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ડેમમાં પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભવિષ્યમાં જો ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠા વિસ્તારના તથા નીચાણવાળા ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.






