દતિયામાં નરોત્તમ મિશ્રાને ટિકિટ ન મળતાં ભારે હોબાળો

નવી દિલ્હીઃ દતિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે ભૂતપૂર્વ ગૃહ મંત્રી ડો. નરોત્તમ મિશ્રાને ટિકિટ આપી નથી. ભાજપે નરોત્તમ મિશ્રા પર દાવ લગાવવાને બદલે ભૂતપૂર્વ સંભાગીય સંગઠન મંત્રી આશુતોષ તિવારીને ઉમેદવાર બનાવ્યા છે. આ નિર્ણય બાદ નરોત્તમ મિશ્રાના સમર્થકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. શુક્રવારે રોષે ભરાયેલા કાર્યકરોએ દતિયા-ઝાંસી હાઇવે પર ચક્કાજામ કર્યો, જેને કારણે લગભગ ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. દતિયાના ભાજપ જિલ્લા અધ્યક્ષ રઘુવીર સરણ સહિત તમામ હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધાં છે. દતિયા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આ દરમિયાન ઉપદ્રવીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાના સમર્થકો એટલા નારાજ છે કે તેમણે મુખ્ય હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. તેમણે ટાયર સળગાવ્યા અને અનેક સ્થળોએ સતત નારેબાજી કરી. જેને કારણે વેપારીઓને પોતાની દુકાનો પણ બંધ રાખવી પડી. આ વિરોધ પ્રદર્શનથી ભોપાલથી લઈને દિલ્હી સ્થિત ભાજપ હાઈકમાન્ડ સુધી ચિંતા ફેલાઈ છે. નોંધનીય છે કે નરોત્તમ મિશ્રા છ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. દતિયાના જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ વાનખેડેએ જણાવ્યું હતું કે આ જામ સવારે પાંચ  વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. તેને કારણે દતિયા, ઝાંસી, શિવપુરી અને ગ્વાલિયર સહિત ચાર જિલ્લાઓ પ્રભાવિત થયા હતા. સૌથી વધુ અસર ગ્વાલિયર જિલ્લામાં જોવા મળી. અનેક એમ્બ્યુલન્સો પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. અમે ગઈકાલે પણ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માનવા તૈયાર નહોતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પથ્થરમારમાં અમારા આઠ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસની ત્રણથી ચાર ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા. અમારી તરફથી કોઈ લાઠીચાર્જ કે પથ્થરમારો કરવામાં આવ્યો નહોતો. જ્યારે તેઓ સમજવા તૈયાર ન થયા ત્યારે અમે આંસુ ગેસના શેલ છોડ્યા. જો તેઓ હજુ પણ શાંતિપૂર્ણ રીતે નહીં માને અને ફરી ભેગા થવાનો પ્રયાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી માટે અમે સંપૂર્ણ તૈયાર છીએ.