નાસા–ઇસરોએ રચ્યો ઇતિહાસ રચ્યોઃ NISAR થકી કુદરતી આફતોમાં મળશે મદદ

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાની સંયુક્ત અંતરિક્ષ યોજના નિસાર (NISAR – NASA-ISRO Synthetic Aperture Radar) એ પૃથ્વીની સપાટીની પ્રથમ રડાર તસવીરો મોકલી છે. જુલાઈમાં ઇસરો દ્વારા લોન્ચ કરાયેલા આ ઉપગ્રહથી મળેલી શરૂઆતની તસવીરો સાબિત કરે છે કે બંને દેશોનું સંયુક્ત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સહકાર ભવિષ્ય માટે કેટલી મોટી શક્યતાઓ ખોલી રહ્યો છે.

નાસાના કાર્યકારી પ્રશાસક સીન ડફીએ કહ્યું હતું કે નિસારની પ્રથમ તસવીરો એનો પુરાવો છે કે જ્યારે આપણે નવીનતા અને શોધની સંયુક્ત દ્રષ્ટિ સાથે આગળ વધીએ છીએ ત્યારે દુનિયા માટે અદભુત સિદ્ધિઓ શક્ય બને છે. આ તો માત્ર શરૂઆત છે.

 કેટલી મહત્વની છે આ ટેક્નિક?

નિસારની રડાર ઈમેજિંગ ટેક્નોલોજી પૂરની, ભૂકંપ, જ્વાળામુખી, જંગલોનો નાશ, કૃષિ અને અવસંરચના જેવા પડકારોની દેખરેખમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. 21 ઓગસ્ટે નાસાના JPL દ્વારા વિકસિત L-બેન્ડ રડારે અમેરિકાના મેઈન રાજ્યના માઉન્ટ ડિઝર્ટ આઇલેન્ડની તસવીરો લીધી. પાણી, જંગલો અને બનેલી રચનાઓ અલગ–અલગ રંગોમાં સ્પષ્ટ દેખાયા. આ જ રીતે 23 ઓગસ્ટે નોર્થ ડકોટાની તસવીરોમાં ખેતરો, પાકો અને સિંચાઈના નકશા સ્પષ્ટ દેખાયા.

ઇસરો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા S-બેન્ડ રડાર અને નાસાના L-બેન્ડ રડાર સાથે આ પહેલો ઉપગ્રહ છે જેમાં બંને પ્રકારનાં સેન્સર એકસાથે હાજર છે. તે દર 12 દિવસે પૃથ્વીની જમીન અને હિમખંડોની સપાટીનું મેપિંગ કરશે. વૈજ્ઞાનિકોને મતે આ ટેક્નોલોજી જમીનની ભેજ, પાકની પ્રગતિ, હિમખંડોની હલચલ અને કુદરતી આપત્તિ પહેલાં–પછી જમીનની ગતિવિધિઓ પણ રેકોર્ડ કરી શકશે.

 બે ખંડો વચ્ચેના સહકારનું અદભુત ઉદાહરણ છે નિસાર: નાસા

નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર અમિત ક્ષત્રિયાએ કહ્યું હતું  કે નિસાર માત્ર વિજ્ઞાનની સિદ્ધિ નથી, પરંતુ બે ખંડો વચ્ચેના સહકારનું અદભુત ઉદાહરણ છે. ભારત અને અમેરિકાની ભાગીદારી માત્ર આપણા ગ્રહને વધુ સારી રીતે સમજવામાં મદદ નહીં કરે, પરંતુ ચંદ્ર અને મંગળ મિશનની દિશા પણ મજબૂત કરશે.

ભારત તરફથી આ મિશનમાં મહત્વપૂર્ણ ફાળો ઇસરોના *સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર અને યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટરે આપ્યો છે. જ્યારે નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) અને ગોડર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર અમેરિકી જવાબદારી સંભાળી રહ્યા છે.