150 વર્ષથી કિશોરભાઈ મિસ્ત્રીના પરિવારે સાચવ્યો રુદ્ર વીણાનો વારસો

વડોદરા: ગુજરાતની કલાનગરી તરીકે આ શહેરને ઓળખવામાં આવે છે. જેના એક સામાન્ય પરિવારે ૧૫૦ વર્ષથી વધુ સમયથી ભારતની અતિ દુર્લભ અને ઐતિહાસિક કલા-પરંપરાને જીવંત રાખીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને સાર્થક કરતા લ્યુથિયર (વાદ્ય નિર્માતા) કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની નવી દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર ૨૦૨૪’ માટે પસંદગી કરવામાં આવી છે.

છેલ્લા પાંચ દાયકાથી (૫૦ વર્ષ) રુદ્ર વીણાના નિર્માણ અને સંવર્ધન માટે રાત-દિવસ પરિશ્રમ કરી રહેલા કિશોરભાઈએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. આ સન્માન અંગે જણાવ્યું કે, “આ મારું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ મારા પૂર્વજોની પાંચ પેઢીની સાધના-તપસ્યાનું ફળ છે અને ગુજરાતની સમૃદ્ધ સંગીત પરંપરાને રાષ્ટ્રીય સ્તરે મળેલી સ્વીકૃતિ છે.” નોંધનીય છે કે વર્ષ ૨૦૨૩માં પણ અકાદમી દ્વારા તેમને રુદ્ર વીણા નિર્માણ માટે ‘ગુરુ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. આજે તેઓ ગુરુ-શિષ્ય પરંપરા મુજબ યુવા સંગીત સાધકોને આ કળા શીખવી રહ્યા છે.

૨ થી ૩ વર્ષની જટિલ કુદરતી પ્રક્રિયા

રુદ્ર વીણા બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે કુદરતી તત્વો પર નિર્ભર છે. એક વીણા તૈયાર કરવામાં અંદાજે બેથી ત્રણ વર્ષનો સમય લાગે છે. વીણાના બંને છેડે ધ્વનિ ગુંજાવવા માટે મહારાષ્ટ્રના પંઢરપુરની ચંદ્રભાગા નદીના પટમાં થતા ખાસ ગોળ તુંબડા (દૂધીના વેલાનું કુળ) પસંદ કરાય છે. તેને જોડવા માટે ‘પેસિફિક બામ્બુ’ (વાંસ) વપરાય છે, જેને ઋતુ પ્રમાણે સુકવીને ગરમ સળિયા વડે અંદરની ગાંઠો ઓગાળી પોલો કરવામાં આવે છે. વીણાની ખૂંટીઓ માટે કાળા સીસમ કે સાગના લાકડા પર સંગીતના પ્રથમ સૂર ‘ષડ્જ’ (સા)ના પ્રતીક સમાન આકર્ષક મયુર (મોર) કંડારવામાં આવે છે.વિશ્વના સંગ્રહાલયોમાં વડોદરાની વીણા

મિસ્ત્રી પરિવાર વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલી ૧૫૩ વર્ષ જૂની નાની દુકાનમાંથી વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યો છે. આ દુકાનમાં બનેલી રુદ્ર વીણા, સરસ્વતી વીણા અને સિતાર આજે મેટ્રોપોલિટન મ્યુઝિયમ (ન્યૂયોર્ક-USA), હોલેન્ડ મ્યુઝિયમ, ફ્રાન્સ મ્યુઝિયમ અને બરોડા મ્યુઝિયમ જેવા વિશ્વના પ્રતિષ્ઠિત સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. આ ઉપરાંત, ગુજરાતના વડનગરમાં બની રહેલા ભવ્ય સંગીત મ્યુઝિયમ માટે પણ આ પરિવારે ૩૧ જેટલા પરંપરાગત સંગીત વાદ્યો તૈયાર કર્યા છે.

૧૫૩ વર્ષ જૂનો રોચક ઇતિહાસ

આ કળામાં મિસ્ત્રી પરિવારનો પ્રવેશ અકસ્માતે થયો હતો. કિશોરભાઈના પરદાદા મનસુખજી રઘુનાથજી ગાયકવાડ સ્ટેટના પ્રખ્યાત વીણા વાદક એમ.સી. બુઆ પાસે સંગીત શીખતા હતા. એકવાર ગુરુજીની વીણા તૂટી ગઈ અને વડોદરામાં કોઈ કારીગર ન હોવાથી મનસુખજીએ પોતાની કોઠાસૂઝથી તેની એવી અદ્ભુત દુરસ્તી કરી કે ગુરુજી આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુજીની પ્રેરણાથી તેમણે નવી વીણા બનાવી અને આ રીતે ૧૫૩ વર્ષ પહેલાં આ ઐતિહાસિક સફર શરૂ થઈ.

કિશોરભાઈના મતે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત ‘ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો’એ નવી પેઢી અને યુવા વર્ગમાં ભારતની આ પ્રાચીન રુદ્ર વીણા પ્રત્યે ફરીથી ભારે આકર્ષણ અને રૂચિ જગાડવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે.