અમદાવાદ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક એવોર્ડ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા. રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરિ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યપાલના સંબોધનમાં તેમણે યુવાનોના સર્વાંગી વિકાસ માટે રમતગમતને અનિવાર્ય ગણાવી હતી. તેમણે મોબાઈલની લતથી મુક્ત થઈ રમતના મેદાન તરફ વળવા હાકલ કરી હતી અને બાળકોમાં 5 વર્ષની વયથી જ રમત પ્રતિભા ઓળખી વૈજ્ઞાનિક તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે રમતગમત, પ્રાકૃતિક કૃષિ અને સંસ્કારોના સમન્વયથી જ સશક્ત ભારતનું નિર્માણ શક્ય બનશે.
કાર્યક્રમ દરમિયાન નરહરિ અમીને દેશમાં રમતગમતના બજેટમાં થયેલા વધારા અને ગુજરાતમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપી હતી.
આ સમારોહમાં ગુજરાતના રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ બે દિગ્ગજો—વિશ્વવિખ્યાત ચેસ કોચ મયૂર પટેલ અને ક્રિકેટ કોચ જયપ્રકાશભાઈ પટેલને પ્રતિષ્ઠિત ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, 17થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ અને કોચનું પણ ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ખેલ જગતના અનેક અગ્રણીઓ, વરિષ્ઠ પત્રકારો અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




