પટનાઃ બિહારમાં શિક્ષક ભરતીને લઈને કથિત ફ્રોડનો મામલો સામે આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે ઉત્તર પ્રદેશની 106 મહિલા શિક્ષકોના ડોમિસાઇલ સર્ટિફિકેટની તપાસના આદેશ આપ્યા છે. આ તમામ શિક્ષકો પર આરોપ છે કે તેમણે BPSC TRE-3ની શિક્ષક ભરતી પ્રક્રિયામાં ફેક ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરીને અનામતનો લાભ મેળવ્યો અને નોકરી મેળવી હતી.
તમામ મહિલા શિક્ષકો પર આરોપ છે કે તેમણે બિહારમાં અનામતનો લાભ મેળવવા માટે કથિત રીતે ફેક ડોમિસાઇલ અને જાતિ પ્રમાણપત્રોનો ઉપયોગ કર્યો હતો, જે બિહારમાં જ બનાવવામાં આવ્યાં હતાં.
2024માં જાહેર થયેલાં પરિણામોમાં સામે આવ્યો મામલો
આ મામલો BPSC દ્વારા 2024માં જાહેર કરવામાં આવેલા TRE-3નાં પરિણામોમાં 106 મહિલા ઉમેદવારોના નામની આગળ ‘KM’ ઉપસર્ગ જોવા મળ્યા બાદ સામે આવ્યો હતો. ‘KM’ ઉપસર્ગનો ઉપયોગ ‘કુમારી’ના સંક્ષિપ્ત સ્વરૂપ તરીકે થાય છે. મહિલા ઉમેદવારો પર આરોપ છે કે આ ઉપસર્ગ ઉત્તર પ્રદેશના શૈક્ષણિક પ્રમાણપત્રોમાં સામાન્ય રીતે વપરાય છે.
કેવી રીતે સામે આવી આ છેતરપિંડી?
ઉત્તર પ્રદેશની 106 મહિલા શિક્ષકો સામે આ મામલે પૂર્વ શિક્ષક અમિત વિક્રમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમણે અનામત કેટેગરી હેઠળ નિયુક્ત 106 મહિલા શિક્ષકોની યાદી શિક્ષણ વિભાગને સોંપી હતી. ફરિયાદ મુજબ આ શિક્ષકોના નામની આગળ ‘KM’ લખેલું છે અને તેમનાં શૈક્ષણિક પ્રમાણપત્રો ઉત્તર પ્રદેશની શાળાઓ અને કોલેજો દ્વારા જારી કરવામાં આવ્યાં છે.
બિહારમાં જ બનાવડાવ્યા ફેક દસ્તાવેજો
વિક્રમે જણાવ્યું હતું કે સૌથી પહેલાં તેમની નજર આવા શિક્ષકોનાં નામ અને તેમના શૈક્ષણિક દસ્તાવેજો પર પડી હતી. વિક્રમે દાવો કર્યો છે કે આ ઉમેદવારોએ બિહારના રહેવાસી હોવાના પુરાવા રજૂ કરીને અનામત કેટેગરીમાં નોકરી મેળવી હતી. હાલ આ માત્ર આરોપો છે અને સંબંધિત શિક્ષકોના દસ્તાવેજોની ચકાસણી થવાની બાકી છે.

વિભાગે 106 મહિલા શિક્ષકોની યાદી માગી હતી
અમિત વિક્રમની ફરિયાદ અને રજૂ કરાયેલા દસ્તાવેજોના આધારે પ્રાથમિક શિક્ષણના ઉપનિર્દેશક પ્રફુલ્લ કુમાર મિશ્રાએ 28 ઓક્ટોબર, 2026ના રોજ BPSCના સચિવને પત્ર લખીને TRE-3ના ઉમેદવારોના ડોમિસાઇલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની વિનંતી કરી હતી. આ પત્રમાં જણાવાયું હતું કે સહયોગ પોર્ટલ પર મળેલી ફરિયાદ બાદ ઉમેદવારોના ડોમિસાઇલ પ્રમાણપત્રોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ત્યારબાદ શિક્ષણ વિભાગે તમામ મહિલા શિક્ષકોની યાદી માગી હતી.




